
નર્મદા : આદિવાસી સમુદાયની કુળદેવી યાહા મોગી માતાના મેળાની તડામાર તૈયારીઓ અંગે બેઠક
નિવાસી અધિક કલેક્ટર સી. કે. ઉંધાડના અધ્યક્ષપદે દેવમોગરા ખાતે યોજાનારા પરંપરાગત ભાતીગળ મેળાની પૂર્વ તૈયારીઓ અંગે બેઠક યોજાઈ
દેવમોગરા ખાતે સ્થળનું રૂબરૂ નિરિક્ષણ કરીને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અધિકારીઓને રચનાત્મક સૂચનો કર્યા
૪૦૦ થી વધુ સ્વયંસેવકો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રથી આવનાર શ્રદ્ધાળુઓ સાથે સંવાદ સાધી સેવા આપશે
નર્મદા: જુનેદ ખત્રી
નર્મદા જિલ્લામાં દર વર્ષે ગુજરાત સહિત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રથી બહોળા પ્રમાણમાં શ્રદ્ધાળુઓ સાગબારાની પવિત્ર ભૂમિ તથા દેવસ્થાન દેવમોગરા માતાના દર્શનાર્થે આવે છે. એવામાં આગામી તા. ૮ થી ૧૨ માર્ચ, ૨૦૨૪ દરમિયાન દેવમોગરા ખાતે મહા શિવરાત્રી નિમિત્તે યાહા મોગી માતાના મંદિરે યોજાનારા પરંપરાગત ભાતીગળ મેળાના આગોતરા આયોજનના ભાગરૂપે નિવાસી અધિક કલેક્ટર સી. કે. ઉંધાડે સાર્વજનિક દેવમોગરા માઈ મંદિર ખાતે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે સોંપેલી કામગીરી અને જવાબદારીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.

પરંપરાગત ભાતીગળ મેળાની થનારી ભવ્ય ઉજવણી ભાગરૂપે આયોજિત બેઠકમાં વહિવટી તંત્રના સંબંધિત વિભાગના અધિકારીઓ અને પ્રતિનિધિઓને કાયદો વ્યવસ્થાની જાળવણી, ટ્રાફિક નિયમન, પ્રાથમિક સુવિધાઓ સહિત પાણી, પાર્કિંગ, વીજળી, આરોગ્ય, વાહનો સહિત એસ.ટી. બસોના રૂટ અંગે આયોજનબદ્ધ કામગીરી પૂર્ણ કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, દર વર્ષે દેવમોગરા પવિત્ર ધામ ખાતે શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક સ્વચ્છતા, સેવા સહિત યાત્રાળુઓ માટે સ્નાન-સેનિટેશન, સીસીટીવી સહિત સુરક્ષા અને સલામતીના ભાગરૂપે ફાયર બ્રિગેડની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અંગે પણ વિશેષ ચર્ચા થઈ હતી. કામગીરી અને જવાબદારીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરીને સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા માટે કેટલાંક રચનાત્મક સૂચનો કર્યા હતા.
આ પ્રસંગે દેવમોગરા સંસ્થાના ઉપપ્રમુખ નાનસિંગભાઈ વસાવા જણાવ્યું કે, દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં આવીને માતાના દર્શન કરે છે ત્યારે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા પણ ખુબ પ્રસંશનીય કામગીરી થઈ રહી છે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી આવનાર દર્શનાર્થીઓ સાથે સરળ સંવાદ સાધવા સાર્વજનિક દેવમોગરા માઈ મંદિર ટ્રષ્ટના ૪૦૦ થી પણ વધુ સ્વયંસેવકો સ્થાનિક બોલીમાં સંવાદ કરી લોકોને જરૂરી સુવિધા અને સેવાઓ પુરી પાડશે.









