
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગની યુવા પેઢી વ્યસનોથી દુર રહી, પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ કેળવે તથા, સ્વસ્થ સમાજ નિર્માણના સ્વપ્નની પૂર્તિ માટે આહવા ખાતે પ્રથમ વખત ‘શ્રીમાન ડાંગ ફિઝિક-૨૦૨૪ ચેમ્પિયનશીપ’ યોજાઈ હતી.
આહવા સ્થિત રમત ગમત સંકુલ ખાતે તાજેતરમાં યોજાયેલી આ સ્વાસ્થ્ય સ્પર્ધામાં પ્રથમ વખત ભાગ લેતા કુલ ચાર સ્પર્ધકોએ પોતાની કસાયેલી કાયાનું પ્રદર્શન કરી, સ્વાસ્થ્ય પ્રત્યે લોકોને સભાન કર્યા હતા.
ડાંગ સ્વરાજ આશ્રમના શ્રી અમિતકુમાર નાયક તથા શ્રી અભિનવ ઢીમ્મરે નિર્ણાયક તથા આયોજકની ભૂમિકા નિભાવી હતી. સ્પર્ધકોને પ્રોત્સાહિત કરતા પોલીસ અધિકારી શ્રી પટેલ, તથા ગ્રામ પંચાયતના સભ્ય શ્રી ધર્મેશ પટેલે દાતાની ભૂમિકા અદા કરી હતી.
ડાંગ જિલ્લામાં પ્રથમ વખત યોજાયેલી આ ચેમ્પિયનશીપમાં પ્રથમ ક્રમે શબ્બીર વાણી-નાંદનપેડા, દ્વિતીય ક્રમે અંકિત સૂર્યવંશી, તથા તૃતિય ક્રમે રોહિત રેક્કી વિજેતા નીવડ્યા હતા.









