
તા.૧૩ માર્ચ
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ તથા રાજ્ય યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે સૌ પ્રથમ વખત રાજ્ય સ્તરીય યોગ સ્પર્ધા-૨૦૨૨-‘૨૩નું આયોજન કરાયું છે. આ સ્પર્ધા આગામી તા. ૧૫ માર્ચના રોજ અમદાવાદના કાંકરિયામાં ધ એરેના-ટ્રાન્સ સ્ટેડીયમ ખાતે રાજ્યકક્ષાના મંત્રીશ્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાશે. જેમાં રાજકોટ જિલ્લામાંથી ૨ સ્પર્ધકો ભાગ લેવા જશે.
ફેબ્રુઆરી-૨૦૨૩માં જિલ્લા કક્ષાએ આયોજિત પ્રથમ તબક્કાની યોગ સ્પર્ધામાં તમામ ૩૩ જિલ્લાઓમાંથી ૩ ભાઈઓ અને ૩ બહેનો એમ કુલ ૧૯૮ વિજેતા સ્પર્ધકોની દ્વિતીય તબક્કાની યોગ સ્પર્ધા મહાનગરકક્ષાએ યોજાઈ હતી. આઠેય મહાનગરોમાંથી ૩ ભાઈઓ અને ૩ બહેનો એમ કુલ ૪૮ વિજેતા સ્પર્ધકો માટે રાજ્યકક્ષાએ યોગ સ્પર્ધા યોજાનાર છે. જેમાં સ્પર્ધકોશ્રી કોમલ મકવાણા અને યશ્વી ડાંગી રાજકોટ જિલ્લાનું પ્રતિનિધિ કરશે. રાજકોટ જિલ્લા યોગ બોર્ડની ટીમ એ બંને સ્પર્ધકોને શુભેચ્છા પાઠવી છે.
ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રના ૧૨ જિલ્લાઓ અને ૪ મહાનગરો ખાતે યોગ સ્પર્ધામાં ચીફ જજ તરીકે સૌરાષ્ટ્ર-કચ્છ ઝોન યોગ કો-ઓર્ડીનેટરશ્રી અનિલભાઈ ત્રિવેદીએ તેમજ રાજકોટ મહાનગરકક્ષાએ યોગ સ્પર્ધામાં જજ તરીકે યોગ કો-ઓર્ડીનેટરશ્રી વંદનાબેન રાજાણીએ ફરજ બજાવી હતી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન રમતગમત અધિકારીશ્રી વી.બી.જાડેજા એ કર્યું હતું. તેમ રાજકોટ જિલ્લા યોગ બોર્ડની યાદીમાં જણાવાયું છે.