આરોગ્ય વન અને મિયાવાકી ફોરેસ્ટ પ્રવાસીઓને પ્રકૃતિ સાથે જોડવાની પ્રેરણા આપે છેઃ અરુણાચલ પ્રદેશ મુખ્યમંત્રી શ્રી પેમા ખાંડુ*
*જનસંપર્ક એકમ,સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ,એકતા નગર*
*અખબારી યાદી:*

મુખ્યમંત્રીશ્રી પેમા ખાંડુ પ્રી-વાયબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત એડવેન્ચર ટૂર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાના ૧૬મા વાર્ષિક ઉદ્ઘાટન સત્રમાં ભાગ લીધો હતો,ત્યારબાદ મુખ્યમંત્રી ખાંડુએ આરોગ્ય વન અને મિયાવાકી ફોરેસ્ટની મુલાકાત લીધી હતી.
મિયાવાકી વનની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ કૃષ્ણ કમળનું દુર્લભ પુષ્પ પણ નિહાળ્યું હતું. આ પછી તેઓ આરોગ્ય વનમાં ગયા જ્યાં તેમણે ગાર્ડન ઓફ કલર્સ, ઔષધ માનવ, આલ્બા ગાર્ડન અને એરોમા ગાર્ડનની મુલાકાત લીધી. આરોગ્ય વન સ્થિત આરોગ્ય કાફે ખાતે મુખ્યમંત્રીએ ખાટી ભીંડી શરબત પણ પીધું હતું અને તેની ખૂબ પ્રશંસા કરી હતી.

આરોગ્ય વનની મુલાકાત લીધા બાદ મુખ્યમંત્રી વેલનેસ સેન્ટર પહોંચ્યા હતા. જ્યાં તેઓને આયુર્વેદની પ્રાચીન પદ્ધતિઓના સ્વાસ્થ્ય લાભ વિશે માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત મુખ્યમંત્રીને પંચકર્મ પદ્ધતિથી શારીરિક વિકૃતિઓ દૂર કરવાની પદ્ધતિઓ વિશે પણ માહિતીગાર કરવામાં આવ્યા હતા.આ વેલનેસ સેન્ટર ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ આયુર્વેદ સંસ્થાન અને સ્ટેચ્યુ ઓફ યુનિટી એડમિનિસ્ટ્રેશન દ્વારા સંયુક્ત રીતે ચલાવવામાં આવે છે.
એકતા નગરમાં વિવિધ સ્થળની મુલાકાત બાદ મુખ્યમંત્રીશ્રી પેમા ખાંડુએ કહ્યું હતું કે, ભારતના સફળ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની અમૂલ્ય પ્રેરણાને કારણે એકતા નગર આજે વૈશ્વિક પ્રવાસન સ્થળ તરીકે ઉભરી રહ્યું છે. અહીં સ્થિત આરોગ્ય વન અને મિયાવાકી ફોરેસ્ટ અદ્ભુત છે. આરોગ્ય વન શરીર, મન અને આત્માને સંતુલિત કરવાનો માર્ગ બતાવે છે અને અહીં સ્થિત વેલનેસ સેન્ટર વિશ્વના મંચ પર ભારતની સૌથી જૂની આરોગ્ય પ્રણાલીને એક અલગ ઓળખ આપવાનું કામ કરવામાં આવી રહ્યું છે. આરોગ્ય વન અને મિયાવાકી ફોરેસ્ટ પ્રવાસીઓને પ્રકૃતિ સાથે જોડાવા માટે પ્રેરિત કરે છે,મિયાવાકી વન પર્યાવરણ સંરક્ષણમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે. મુખ્યમંત્રીશ્રી પેમા ખાંડુની સાથે ગુજરાતના વન, પર્યાવરણ અને પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાની પણ પ્રેરક ઉપસ્થિતિ રહી હતી, જ્યાં તેમણે અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રીને એક છોડ અને પ્રતીક અર્પણ કર્યું હતું. આ દરમિયાન એકતા નગરના નાયબ વન સંરક્ષક શ્રી ડો.રામરતન નાલા, શ્રી અગ્નિશ્વર વ્યાસ સહિત સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિક કલેકટર શ્રી ગોપાલ બામણીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.
મુલાકાત બાદ, અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી શ્રી પેમા ખાંડુએ સ્ટેચ્યુ ઓફ યુનિટી સંકુલ, મિયાવાકી, આરોગ્યવન અને વેલનેસ સેન્ટરની જાળવણીની પ્રશંસા કરી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વહીવટીતંત્રની પ્રશંસા કરી હતી
-૦૦૦-









