વાગરા: ATM ચોરીનો પર્દાફાશ, 500 CCTV નાં નિરીક્ષણ બાદ ચોર ટોળકી ઝડપાઇ, લાખોનો મુદ્દામાલ જપ્ત


ભરૂચ જિલ્લાના દહેજના જોલવા અને વાગરામાં એટીએમ મશીનને ગેસ કટર વડે કાપી સાડા ત્રણ લાખ રોકડની ચોરી કરી તરખાટ મચાવનાર આંતરરાજ્ય ગેંગના પાંચ સાગરીતોને ભરૂચ જિલ્લા પોલીસે રૂ.20.41 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ ગત તારીખ-19મી ફેબ્રુઆરીના રોજ રાત્રે અજાણ્યા ઇસમો સફેદ કલરની સ્કોર્પિઓ ફોરવ્હીલ કાર લઈ દહેજ પોલીસ મથકની હદમાં આવેલ જોલવા ગામ પાસે આવેલ એટીએમ મશીનને ગેસ કટર વડે કાપી રહ્યા હતા તે દરમિયાન સાયરન વાગતા એટીએમ ચોરી કરવા આવેલ ગેંગ ભાગી ગઈ હતી.એક જ રાતમાં તસ્કરોએ વાગરા ટાઉનમાં જે.બી.કોમ્પ્લેક્ષમાં આવેલ એચ.ડી.એફ.સી બેંકના એટીએમ સેન્ટરમાં પ્રવેશ કરી ATM મશીનનું ગ્રાઉટીંગ તોડી ATM મશીનને સ્કોર્પિઓ ગાડીમાં મુકી પિસાદ ગામની સીમમાં લઈ જઈ ત્યાં એટીએમને તોડી 3.52 લાખ રોકડાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે ભરૂચ પોલીસે બે અલગ અલગ ગુના નોંધી તપાસ શરૂ કરી હતી. ભરૂચ પોલીસ તપાસ ચલાવી રહી હતી એ દરમ્યાન ભરૂ mચની ઘટના બાદ મહારાષ્ટ્રના નંદુરબાર આવી જ મોડસ ઓપરેન્ડીથી એસ.બી.આઈના ATM સેન્ટરમાં ચોરી થઈ હતી. જેથી પોલીસની એક ટીમ તાત્કાલિક નંદુરબાર ખાતે પહોંચી તપાસ કરી ગુનાની કડી મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. તો બીજી તરફ ભરૂચના એટીએમ ચોરીના રૂટ ઉપરના ૫૦૦થી વધુ CCTV ફુટેજનું પોલીસે એનાલીસીસ અને ટેક્નિકલ એનાલીસીસ કરી આરોપીને પકડી પાડવા તપાસ હાથ ધરી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે વાગરા એટીએમ લચોરી અને દહેજ ATM ચોરીની કોશીષના ગુનામાં સંડોવાયેલ એક આરોપી હાલ ભરૂચમાં આવેલ છે જેવી બાતમીના આધારે પોલીસે તેને ઝડપી પાડી તેની પુછપરછ કરતાં તેનું નામ ઇરફાન હોવાનું જણાવી અંકલેશ્વર આઈ.આઈ.એફ.એલ ગોલ્ડની લૂંટમાં પકડાયેલ સલીમ ઉર્ફે મુસાએ ભરૂચ શહેરના ફાતીમા પાર્કમાં મકાન ભાડે રાખી ત્યાં મેવાતી ગેંગના સભ્યોને બોલાવી તેના મારફતે એટીએમ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી અને મુખ્ય સુત્રધાર સલીમ ઉર્ફે મુસો તેમજ તેના સાગરિતો હાલ ઇન્દોરમાં છુપાયેલા છે. તેમ જણાવતા જ ભરૂચ જિલ્લા પોલીસે ઇન્દોર ખાતેથી આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આરોપી સલીમ ઉર્ફે મુસો અને અન્ય બે વોન્ટેડ આરોપીઓ બનાસકાંઠા જિલ્લાના માવસરી પોલીસ મથકના સોપારી કીલીંગના ગુનામાં સંડોવાયેલ હોવાની પણ કબૂલાત કરી હતી પોલીસે ATM ચોરીના ગુનામાં ઉપયોગમાં લેવાયેલ સ્કોર્પિઓ ગાડી, મેવાત પરત જવા માટે ઉપયોગમાં લીધેલ કાર, રોકડા રૂપિયા, મોબાઇલ ફોન સહિતના સામાન મળી કુલ 20.41 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ગુનામાં સંડોવાયેલા અન્ય સાત આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેઓને ઝડપી પાડવાના પ્રયાસો શરૂ કર્યા છે.
રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી









