
સાગબારા અને દેડિયાપાડાને વધુ બે એમ્બ્યુલન્સ મળતા દર્દીઓને રાહત મળશે
આ એમ્બ્યુલન્સનો દેડિયાપાડાના ૨૧ અને સાગબારાના ૩૦ ગામના લોકોને લાભ મળશે
રાજપીપલા : જુનેદ ખત્રી
એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ નર્મદામાં જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન અને જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુની રાહબરીમાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોની સુખાકારી, આરોગ્ય લક્ષી સુવિધાઓને વધુ સઘન અને અસરકારક બનાવવા માટે વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આજરોજ બે આરોગ્ય કેન્દ્રોને ફાળવવામાં આવેલી નવી એમ્બ્યુલન્સને જિલ્લા પંચાયત કચેરીએથી રવાના કરાઈ હતી. 
નર્મદા જિલ્લના સાગબારા અને દેડિયાપાડા ખાતે વર્ષ ૨૦૧૪થી મોબાઈલ મેડિકલ યુનિટ કાર્યરત છે. આ બંને વિસ્તારના દર્દીઓને આરોગ્યલક્ષી સેવાઓ મળે તે માટે નવા બે વાહનો ફાળવવામાં આવ્યા છે. જેમાં લેબોરેટરીને લગતા સાધનો, ડિજિટલ બ્લડપ્રેશર મોનિટર વગેરે દવાઓ અને પ્રાથમિક સારવારને લગતી સાધન સામગ્રી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આજે તા.૬ ઠ્ઠી સપ્ટેમ્બર,૨૦૨૩ને બુધવારના રોજ બંને મોબાઈલ મેડિકલ યુનિટને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જનકકુમાર માઢક, જિલ્લા એપેડેમિક ઓફિસર ડો. આર.એસ.કશ્યપ, આરસીએચઓ ડો.મુકેશ પટેલ, તેમજ જિલ્લા પંચાયત આરોગ્ય શાખાનાં અન્ય અધિકારીઓ-કર્મચારીઓની ઉપસ્થિતિમાં રિબીન કાપી લીલી ઝંડી આપીને રવાના કરવામાં આવી હતી. આ મોબાઈલ મેડિકલ યુનિટ થકી દેડિયાપાડા તાલુકાના ૨૧ ગામો અને સાગબારા તાલુકાના ૩૦ ગામના લોકોને લાભ મળી રહેશે.









