
વાત્સલ્યમ્ સમાચાર.
બ્યુરોચીફ :- બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-ભુજ કચ્છ.
લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૪ અન્વયે કચ્છ જિલ્લામાં પોલીંગ સ્ટાફની મતદાન પ્રક્રિયાનો પ્રારંભ
ભુજ, તા-30 એપ્રિલ : લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે તા. ૭મી મેના રોજ મતદાન યોજાનાર છે ત્યારે ચૂંટણી કામગીરીમાં રોકાયેલા પોલીંગ સ્ટાફ અગાઉથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે કચ્છ જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા તા.૩૦ એપ્રિલ અને ૦૧ મે એમ બે દિવસીય પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન પ્રક્રિયા યોજવામાં આવી છે. ફેસિલિટેશન સેન્ટર ખાતે ગેઝેટેડ અધિકારીશ્રીઓની હાજરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન પ્રક્રિયા યોજવામાં આવી રહી છે.મતદાનના દિવસે મતદારો સુચારૂ રીતે મતદાન કરી શકે તે માટે ફરજ પર તૈનાત પોલીંગ સ્ટાફ માટે આર.ડી.વરસાણી સ્કૂલ, ભુજ ખાતે ફેસિલિટેશન સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, કચ્છ જિલ્લાના તમામ ૦૬ વિધાનસભા મત વિસ્તારમાં પોલીંગ સ્ટાફ મતદાન કરી શકે તે માટે ફેસિલિટેશન સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે. પોસ્ટલ બેલેટથી મત આપી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીની પવિત્ર અને નૈતિક ફરજ પોલીંગ કર્મચારીઓએ નિભાવી હતી. આ ફેસિલિટેશન સેન્ટરમાં પોલીંગ સ્ટાફના મતદાનના બે દિવસ પૂર્ણ થયા બાદ પોલીસ કર્મચારીશ્રીઓ, એસઆરપીએફ જવાનો તેમજ આવશ્યક સેવાના મતદારો બેલેટ પેપરથી મતદાન કરશે. આમ ૦૪ મે, ૨૦૨૪ સુધી ફેસિલિટેશન સેન્ટર ખાતે બેલેટ પેપરથી મતદાન પ્રક્રિયા યોજવામાં આવનારી છે.










