BANASKANTHADEESA

Deesa : ડીસા રાધનપુર નેશનલ હાઈવે પર ભીલડી પાસે આજે વન-વે માર્ગ પર બે ટ્રક સામ સામે ટકરાતા ગોજારો અકસ્માત સર્જાયો

બે લોકોના મોત નીપજ્યા હતા જ્યારે અન્ય ગંભીર રીતે ઇજાગ્રસ્ત બે લોકોને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા

દિયોદર પાસે આવેલ રૈયા તેમજ ખીમાણા ગામે મંદિર બનાવવાનું હોવાથી એક ટ્રક જોધપુરી પથ્થર ભરીને રાજસ્થાનથી આવી રહી હતી. અને આ ટ્રક ડીસા રાધનપુર હાઈવે પર ભીલડી પાસે ડાયવરજન આપેલ વન-વે માર્ગ પરથી પસાર થઈ રહી હતી ત્યારે સામેથી આવી રહેલ ટ્રક સાથે સામસામે ટકરાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં પથ્થર ભરેલી ટ્રકનો ચાલક અને રાજસ્થાનના પાલી જિલ્લાના બર ગામે રહેતા અજય ચૌહાણનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું.જ્યારે અન્ય ત્રણ લોકોને ગંભીર ઇજા પહોંચી હતી.

ઘટનાને પગલે ભીલડી પોલીસ, 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ અને નેશનલ હાઇવે ઓથોરિટીની ટીમ તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી રાહત કામગીરી શરૂ કરી હતી. તેમજ ઇજાગ્રસ્ત ત્રણ લોકોને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન વધુ એક ખીમાણા ગામના રહેવાસી શંભુભાઈ પ્રજાપતિનું મોત નીપજતા અકસ્માતમાં કુલ બે વ્યક્તિઓના મોત થયા હતા. આ બનાવ અંગે ભીલડી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે ભીલડી પાસે રેલ્વે ઓવર બ્રિજ નીચેની પ્લેટો ખસી જતા અત્યારે સમારકામ ચાલી રહ્યું છે આ સમારકામ છેલ્લા આઠ મહિનાથી ગોકલગતીએ ચાલી રહ્યું છે જેના કારણે ડાયવરજન આપેલ વન-વે માર્ગ પર વારંવાર અકસ્માતો સર્જાય છે અગાઉ પણ સર્જાયેલા બે અકસ્માતમાં એક પોલીસ કર્મી સહિત ત્રણ લોકોના મોત નીપજ્યા હતા જ્યારે આજે વધુ એક અકસ્માત સર્જાતા અત્યાર સુધી કુલ પાંચ લોકોના મોત થયા છે ત્યારે આ બ્રિજનું સમારકામ જલ્દી પૂરું કરવામાં આવે તેવી વાહન ચાલકોની માંગ છે

ભરત ઠાકોર ભીલડી

[wptube id="1252022"]
Back to top button