
તા.૩/૧૦/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot: ‘‘સ્વચ્છતા હી સેવા’’ અભિયાન અંતર્ગત મહાત્મા ગાંધીની જન્મજયંતિના આગલા દિવસે, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ, વેસ્ટર્ન રીજીયન પાઇપલાઇન્સ, રાજકોટ દ્વારા કચરામુક્ત ભારત અભિયાન ચલાવીને રાષ્ટ્રપિતાને સ્વચ્છાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ ઝુંબેશ અંતર્ગત IOCL, રાજકોટના કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્યો દ્વારા સફાઈ કર્મચારીઓ સાથે મળી રાજકોટના પ્રખ્યાત ક્રિસ્ટલ મોલની આસપાસના વિસ્તારની સફાઈ કરવામાં આવી હતી. તમામ કર્મચારીઓએ આજુબાજુના વિસ્તારની સફાઈ કરી કચરો એકઠો કરી ગાર્બેજ વાનમાં નાખ્યો હતો. કાર્યક્રમમાં સ્વચ્છતા યોદ્ધાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ચીફ જનરલ મેનેજર (ઈન્ચાર્જ) શ્રી જી. વેંકટરામનને કહ્યું હતું કે, ‘સ્વચ્છતા એ એક સારી આદત છે જે આપણા બધા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ગમે તે ક્ષેત્ર હોય, આપણે હંમેશા તેનું પાલન કરવું જોઈએ. સ્વચ્છતા અનેક પ્રકારની હોઈ શકે છે જેમ કે સામાજિક, વ્યક્તિગત, વૈચારિક વગેરે, આપણે તેને દરેક ક્ષેત્રમાં અપનાવવી જોઈએ. વિચારોની સ્વચ્છતા આપણને સારી વ્યક્તિ બનાવે છે, જ્યારે વ્યક્તિગત સ્વચ્છતા આપણને હાનિકારક રોગોથી બચાવે છે. તેથી, સ્વચ્છતા થકી દરેક પ્રકારના વિકાસ માટે આપણે હંમેશા પ્રયત્નશીલ રહેવું જોઈએ.

ગાંધીજીના ‘‘સ્વચ્છ ભારત’’ના સ્વપ્નને પૂર્ણ કરવા માટેની ભાવનાથી પ્રેરિત થઈને રાજકોટ કચેરી દ્વારા આ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું જેનો ઉદ્દેશ્ય સ્થાનિક લોકો સુધી સ્વચ્છતાનો સંદેશો પહોંચાડવાનો હતો.

આ અભિયાનમાં રાજકોટ કચેરીના ચીફ જનરલ મેનેજર (ટેક્નિકલ) શ્રી લીલા પ્રસાદ કોંડૂરી, અને ચીફ જનરલ મેનેજર (ઓપરેશન્સ) શ્રી સુજીત કુમાર તથા આઇ.ઓ.સી.એલ. રાજકોટના કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.








