GUJARATJETPURRAJKOT

રાજકોટને મળ્યું પ્રથમ સેમી હાઇ સ્પીડ ‘વંદે ભારત’ એક્સપ્રેસનું નજરાણું

તા.૨૫/૯/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતે સડક માર્ગ, હવાઈ માર્ગ તથા રેલ માર્ગ મળીને પરિવહન ક્ષેત્રે અદ્ભુત સફળતા પ્રાપ્ત કરી છે. : મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ

લોકોની લાગણી અને માંગણીને માન આપીને જામનગર-અમદાવાદ ટ્રેનનો રૂટ દેવભૂમિ દ્વારકા સુધી લંબાવવાના પ્રયાસ કરાઈ રહ્યા છે. : મંત્રીશ્રી મૂળુભાઈ બેરા

રાજકોટમાં મંત્રીશ્રીઓ ભાનુબેન બાબરીયા સહિતના મહાનુભાવો એ ‘વંદે ભારત’ ટ્રેનનું અભિવાદન કર્યું

ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી દેશભરમાં એકસાથે નવ સેમી હાઇ સ્પીડ ટ્રેન ‘વંદે ભારત’ એક્સપ્રેસનો શુભારંભ કરાયો છે. જે પૈકી જામનગર-અમદાવાદ રેલવે રુટની સૌથી ઝડપી ‘વંદે ભારત’ ટ્રેનનું રાજકોટમાં ઢોલ-નગારાંના નાદ સાથે રાજ્યના મંત્રીશ્રી સર્વ રાઘવજીભાઈ પટેલ, શ્રી ભાનુબેન બાબરીયા, તથા શ્રી મુળુભાઈ બેરાના વરદહસ્તે ફૂલોથી ટ્રેનનું અભિવાદન કરાયું હતું.

કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આજે દેશમાં સંપૂર્ણ સ્વદેશી નવ જેટલી ‘વંદે ભારત’ ટ્રેનનું પ્રસ્થાન કરાવાયું છે, જે કે દર્શાવે છે કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતે સડક માર્ગ, હવાઈ માર્ગ તથા રેલ માર્ગ મળીને પરિવહન ક્ષેત્રે અદ્ભુત સફળતા પ્રાપ્ત કરી છે. તેમજ ‘મેક ઈન ઈન્ડિયા’ તથા ‘આત્મનિર્ભર ભારત’ના સૂત્રને સાર્થક કર્યું છે. કાર્યનિષ્ઠ આગેવાનો અને અધિકારીઓની મહેનતના પરિણામે ‘વંદે ભારત’ ટ્રેનની સુવિધા પ્રાપ્ત થઈ છે, જેનો આનંદ વ્યક્ત કરું છું.

પ્રવાસન તથા આબોહવા પરિવર્તન મંત્રીશ્રી મૂળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર પંથકને સૌ પ્રથમ ‘વંદે ભારત’ ટ્રેન મળી છે, જેના થકી જામનગર-અમદાવાદની ટ્રેનમાં મુસાફરો સગવડ સાથે આરામદાયક મુસાફરી કરી શકશે. રાજકોટ, જામનગર, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, સાબરમતી અને અમદાવાદ સ્ટેશન ખાતે સ્ટોપ કરનારી ‘વંદે ભારત’ ટ્રેનથી વેપાર-ધંધાને ફાયદો થશે. લોકોની લાગણી અને માંગણીને માન આપીને આ ટ્રેનનો રૂટ દેવભૂમિ દ્વારકા સુધી લંબાવવાના પ્રયાસો કરાઈ રહ્યા છે.

આસિસ્ટન્ટ ડિવિઝન રેલવે મેનેજરશ્રી જી.પી.સૈનીએ સૌરાષ્ટ્રને પહેલી ‘વંદે ભારત’ ટ્રેન પ્રદાન કરવા બદલ કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવાના ઉદ્દેશથી આધુનિક ટેકનિકનો ઉપયોગ કરીને સંપૂર્ણ રીતે દેશમાં જ આ ટ્રેનનું નિર્માણ કરાયું છે. આનંદદાયક મુસાફરી માટે આ ટ્રેનની ચેર ૩૬૦ ડિગ્રીએ ફરી શકે છે.

આ ટ્રેન જામનગરથી બુધવાર સિવાય અઠવાડિયામાં છ દિવસ તેમજ અમદાવાદથી મંગળવાર સિવાય અઠવાડિયામાં છ દિવસ ચાલશે. ત્યારે રેલવે ગ્રાહકો માટે આ ટ્રેન ઉપયોગી બનશે, તેવી આશા છે.

જંકશન રેલવે સ્ટેશન ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મહાનુભાવોએ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનો ‘મન કી બાત’ કાર્યક્રમ તેમજ ‘વંદે ભારત’ ટ્રેનની શોર્ટ ફિલ્મ નિહાળી હતી. મહાનુભવોને ઔષધીય રોપાં અને પુષ્પગુચ્છ આપીને આવકારાયા હતાં. તેમજ કાર્યક્રમમાં કલાકારોએ સાંસ્કૃતિક નૃત્યો રજૂ કર્યા હતાં. આ તકે સાંસદશ્રીઓ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા અને કેસરીદેવસિંહ ઝાલા તેમજ ધારાસભ્યશ્રી ઉદયભાઈ કાનગડએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યા હતા.

ઉપસ્થિત તમામ મહાનુભાવોએ ‘વંદે ભારત’ ટ્રેનમાં જનતા સાથે મુસાફરીનો લ્હાવો લીધો હતો.

આ તકે મેયરશ્રી નયનાબેન પેઢડીયા, ધારાસભ્યશ્રી રમેશભાઈ ટીલાળા, અને શ્રી દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી જયમીનભાઈ ઠાકર, ચીફ ટિકિટ ઇન્સપેક્ટરશ્રી સી. બી. જાડેજા, અગ્રણીશ્રી મુકેશભાઈ દોશીના સહિતના આગેવાનો તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

[wptube id="1252022"]
Back to top button