
બોરસદના કૉલેજ તાલીમાર્થીઓએ વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી.

તાહિર મેમણ : આણંદ – 18/03/2024- શ્રી આર.પી. અનડા કૉલેજ ઑફ એજ્યુકેશન , બોરસદના સેમેસ્ટર ચારનાં તાલીમાર્થીઓએ અભ્યાસક્રમના ભાગરૂપે ‘સંસ્થા મુલાકાત’ અંતર્ગત વૃદ્ધાશ્રમની મુલાકાત લઈને વૃદ્ધોના જીવન અનુભવો, જીવન સંઘર્ષોથી પરિચિત થાય તથા તાલીમાર્થીઓમાં વૃદ્ધોને પડતી તકલીફોની અનુભૂતિ થાય,વૃદ્ધો પ્રત્યે સંવેદનશીલ વ્યવહાર કેળવાય , સમાજ સેવા માટે અભિગમ વિકસે તેવા હેતુઓથી નગરમાં આવેલ સમાજનાં ઉત્કર્ષ તથા સેવા માટે કાર્યરત ‘જીવન સંધ્યા’ ટ્રસ્ટ દ્વારા સંચાલિત વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી હતી.
સંસ્થા મુલાકાત અંતર્ગત કૉલેજનાં પ્રિન્સિપાલ ડૉ.જે.કે.તલાટીની રાહબરી હેઠળ તથા અધ્યાપકશ્રીઓ જેમાં ડૉ.એસ.એલ. જાદવ , ડૉ.કે.બી.પરમાર , ડૉ.મનોજભાઈ સી.તલાજિયા , ડૉ.મીનાક્ષીબેન વાણિયા ,ડૉ.લીનાબેન પટેલ તથા સેમેસ્ટર-૪નાં પ્રશિક્ષણાર્થીઓએ વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી ત્યારે સંસ્થાના ટ્રસ્ટીશ્રી તથા વૃદ્ધાશ્રમનું સંચાલન કરતાં ટ્રસ્ટીશ્રી શ્રી ઈશ્વરભાઈ ડી.પટેલે પ્રિન્સિપાલ ડૉ.જે.કે.તલાટીનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું અને સૌને સ્નેહપૂર્વક આવકાર્યા હતાંઅને સંસ્થાની માહિતી આપતાં જણાવ્યું હતું કે
સ્વ. વાઘજીભાઈ દેસાઈભાઈ પટેલ દ્વારા૨૦૦૧ માં સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. વૃદ્ધાશ્રમમાં ઈશ્વરભાઈ ડી. પટેલ જેઓ મુખ્ય સંચાલક તથા ટ્રસ્ટી તરીકે આ સંસ્થા સાથે જોડાયેલા છે અને હાલમાં વૃદ્ધાશ્રમની કામગીરી સંભાળી રહ્યા છે. અને ૨૦૧૫થી લઈને આજ સુધીમાં પંચાવન જેટલા વૃદ્ધોએ સંસ્થાનો લાભ લીધો છે.
કૉલેજના પ્રિન્સિપાલે વૃદ્ધાશ્રમના સંલાકશ્રીનું તથા અધ્યાપકશ્રીઓએ વૃદ્ધાશ્રમમાં રહેતાં વૃદ્ધોને પુષ્પગુચ્છ અર્પણ કરી અભિવાદન કરવામાં આવ્યું હતું.સંસ્થા મુલાકાત દરમિયાન સૌને પ્રાસંગિક ઉદબોધન કરતા પ્રિન્સિપાલે સર્વે તાલીમાર્થીઓને ભવિષ્યમાં સમાજસેવાનાં કાર્યમાં જોડાઈને સમાજને પોતાનું યોગદાન પ્રદાન કરવા માટે આહ્વાન કર્યું હતું.સાથે-સાથે પ્રિન્સિપાલશ્રી , અધ્યાપકશ્રીઓ તથા તાલીમાર્થીઓએ વૃદ્ધાશ્રમની કામગીરી , આર્થિક ભંડોળ ,સમાજ તથા દાતાશ્રીઓ દ્વારા મળતી અન્ય સહાયતા અને ટ્રસ્ટ દ્વારા સમાજ સેવાની બીજી કઈ-કઈ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તે અંગે વિસ્તારથી માહિતી મેળવી હતી.સાથે-સાથે વૃદ્ધાશ્રમના વૃદ્ધો સાથે સંવાદ કરી વૃદ્ધોના જીવન અનુભવોની, જીવન સંઘર્ષોની , તેઓની તકલીફો, તેઓની જરુરીયાતો , પરિવારના પ્રેમની ઝંખના વગેરે વિષયક તેઓના વિચારો જાણવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો. સાથે-સાથે પ્રિન્સિપાલશ્રી , અધ્યાપકો તથા તાલીમાર્થીઓએ વૃદ્ધો સાથે ઉષ્માસભર વ્યવહાર કરીને તથા સંવાદ સાધીને સંવેદનાનો સેતુ જોડ્યો હતો તથા કૉલેજ તરફથી ભોજનની વ્યવસ્થા કરી હતી જેમાં સમગ્ર કૉલેજ પરિવાર તથા વૃદ્ધો સાથે પ્રીતિભોજન લેવમાં આવ્યું હતું અને ત્યારબાદ સૌ પ્રશિક્ષણાર્થીઓ તથા વૃદ્ધોએ ગીતો તથા ભજનો ગાઈને સૌએ આનંદ કર્યો હતો અને વૃદ્ધોએ આ લાગણીસભર કાર્યક્રમ દરમ્યાન એવી અનુભૂતિ થઈ હતી કે તેઓ નિરાધાર તથા નિ:સહાય નથી , સમાજ તથા શૈક્ષણિક સંસ્થા તેઓની સાથે છે તેવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.
સંસ્થા મુલાકાત અંતે વૃદ્ધાશ્રમના ટ્રસ્ટી આઈ.ડી.પટેલનો પ્રિન્સિપાલ ડૉ.જે.કે.તલાટીએ સમગ્ર કૉલેજ પરિવાર તરફથી આભાર વ્યક્ત કર્યો હતો.





