જેતપુરના ખીરસરા રોડ પર આવેલા કુવામાંથી 2 દિવસથી લાપતા મહિલાની લાશ મળી આવી

તા.૨૬/૭/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
જેતપુરના ખીરસરા રોડ પર રહેતી એક મહિલાની બે દિવસ પૂર્વે તેણીના પતિએ ગુમસુદાની ફરીયાદ કરેલ હતી. તેજ મહિલાનો મૃતદેહ તેણીના ઘર સામેના કુવામાંથી જ મળતા તેણીના પરીવાર શોકમગ્ન બની ગયેલ.

પ્રાપ્ત વિગત મુજબ જેતપુર શહેરના ખીરસરા રોડ પર રહેતા ભરતભાઇ પરમારે તેણીની પત્ની મીનાબેન બે દિવસ પૂર્વે રાત્રીના સમયે કયાય ચાલી ગઈ હોવાની ગુમસુદાની ફરીયાદ સીટી પોલીસમાં કરી હતી. ફરીયાદમાં મીનાબેન માનસિક અસ્થિર હોય અને તે બાબતે તેની દવા પણ ચાલુ હોવાની તેણીના પતિએ જણાવેલ. ફરીયાદ બાદ તેણીના પરીવારજનોએ તેણીની શોધખોળ ગામમાં વિવિધ જગ્યાએ તેમજ સગાસબંધીઓને ત્યાં કરી હતી. પરંતુ તેણીનો ક્યાંય પતો લાગ્યો ન હતો.
ત્યાં આજે ભરતભાઇના ઘરની સામે જ આવેલ કૂવામાં એક મહિલાની લાશ તરતી હતી. અને કૂવામાં પાણી પણ જમીન સાથે હોય મૃતદેહ હાથ અડાવો ત્યાં હાથમાં આવી જાય તેમ હતો. જેથી મૃતદેહને પાણીમાં જ ફેરવીને જોતા તે મીનાબેનનો જ મૃતદેહ હતો. જેથી તરત જ પોલીસને જાણ કરવામાં આવી પોલીસ સ્થળ પર પહોંચી પંચરોજકામ કરી મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડયો હતો.








