જુનાડીસાના સેવાભાવી દ્વારા શાંતિધામ અને રાધેકૃષ્ણ ગૌશાળાને માતબર દાન
ગામલોકોએ સેવાભાવીનું હૂંફાળું સન્માન કર્યું

16 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
મૂળ ડીસા તાલુકાના જુનાડીસા ગામના વતની અને ધંધા અર્થે છેલ્લા 24 વર્ષથી ઓસ્ટ્રેલિયાના બ્રિસબેન અને ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ ખાતે સ્થાઈ થયેલા મનહરભાઈ ઉર્ફે બબલુભાઈ શંકરભાઈ મેવાડા વિદેશમાં વસતા હોવા છતાં માદરે વતનનું ઋણ ચુકવવા હર હમેશા અગ્રેસર રહે છે. હાલમાં તેઓ વતનમાં આવ્યા છે ત્યારે ગામના અત્યાધુનિક શાંતિધામમાં ટ્રેક્ટર અને ટ્રોલીના નવીનીકરણ માટે રૂપિયા 5,82,000 ની ઉદાર સખાવત કરી હતી એટલું જ નહીં, જીવ દયાના પ્રખર હિમાયતી હોવાના કારણે ગામની રાધે કૃષ્ણ ગૌશાળામાં પણ શેડ બનાવવા અને ગાયોને ઘાસચારા માટે રૂપિયા 4,29,000 નું દાન કર્યું હતું. આમ તેમણે કુલ રૂપિયા 10,11,000 નું માતબર દાન કરી માદરે વતનનું વધુ એક વખત ઋણ અદા કર્યું છે.અગાઉ પણ તેમણે ગામના બનાસ નદીના કિનારે આલીશાન પંખી ઘર બનાવ્યું છે જે ગામની શોભામાં અભિવૃદ્ધિ સાથે હજારો પક્ષી જીવોનું આશ્રયસ્થાન બન્યું છે. એ સિવાય પક્ષીઘર પાસે આવેલા મહાદેવના મંદિરમાં પણ ગેટ અને પૂજારીઓ માટે રસોડા સાથે બે રૂમ, રામજી મંદિરના પ્રવેશદ્વારે બે હાથી,પાણીની પરબ, ઠાકોરવાસમાં આરસીસીની પ્રોટેક્શન વોલ સહિતના અવનવા સત્કાર્યો કર્યા છે. આમ, ગામના હિતમાં અવારનવાર ઉદાર દેણગી બદલ શાંતિધામ ટ્રસ્ટ અને હિન્દુ સનાતન સમાજના આગેવાનો દ્વારા તેમનું હૂંફાળું સન્માન કરવામાં આવ્યું હતું.