KUTCH

સમગ્ર દેશની સાથે કચ્છ જિલ્લામાં યોજાયો “પરીક્ષા પે ચર્ચા ૨૦૨૪” નો કાર્યક્રમ

રીપોર્ટ : બિમલ માંકડ – પ્રતીક જોશી

ભુજ, સોમવાર:

ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશના વિદ્યાર્થીઓના પરીક્ષાના ભયને દૂર કરવા માટે છેલ્લા કેટલાય વર્ષથી “પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમ યોજવામાં આવે છે. દેશના વિદ્યાર્થીઓના શિક્ષણ વિકાસ માટે સતત ચિંતા સેવતા પ્રધાનમંત્રી ઘણા વર્ષોથી વિદ્યાર્થીઓની શિક્ષણની પ્રક્રિયા,પરીક્ષાની તૈયારી ,બોર્ડ પરીક્ષા વગેરે માટે “ભય રહિત જાગૃતિ”લાવવાનો સફળ પ્રયાસ કરી રહ્યા છે..

 

જે અનુસંધાને આજરોજ પરીક્ષા પે ચર્ચા ૨૦૨૪ ની સાતમી આવૃત્તિનું વિદ્યાર્થીઓ સાથે વડાપ્રધાનના સીધા સંવાદનું ભારત મંડપમ,પ્રગતિ મેદાન, નવી દિલ્હી ખાતે આયોજન કરવામાં આવ્યું. સમગ્ર દેશમાં તેનું જીવંત પ્રસારણ પણ કરવામાં આવ્યું. કચ્છ જિલ્લામાં પણ ભુજ ખાતે જિલ્લા કક્ષાના” પરીક્ષા પે ચર્ચા” ૨૦૨૪ નો કાર્યક્રમ કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાના અધ્યક્ષસ્થાને આર. ડી .વરસાણી હાઈસ્કૂલના વિશાળ સભાખંડ ખાતે યોજવામાં આવ્યો હતો.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરના સીધા જ માર્ગદર્શન અને પ્રેરણાથી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે અને દેખરેખ હેઠળ તમામ તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ “પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમ યોજવામાં આવ્યો. જિલ્લા કક્ષાનો કાર્યક્રમ આર.ડી.વરસાણી હાઇસ્કૂલ, ભુજ ખાતે યોજવામાં આવ્યો હતો.

કાર્યક્રમના પ્રારંભમાં ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઇસ્કૂલ ભુજની વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રાર્થના ગીત અને સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કાર્યક્રમના અધ્યક્ષ અને કચ્છ- મોરબી વિભાગના સંસદ સભ્યશ્રી વિનોદભાઈ ચાવડાના હસ્તે મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું‌ હતું. આ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલાએ શાબ્દિક સ્વાગત કરતા સૌને આવકાર આપ્યો અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ઉપસ્થિતિ બદલ હર્ષ વ્યક્ત કર્યો હતો. જિલ્લા શિક્ષણાધિકારી સંજયભાઈ પરમારે પ્રસંગ પરિચય આપતા પરીક્ષા પે ચર્ચા સંવાદનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે વર્ષ દરમિયાન કચ્છ જિલ્લાએ પ્રાપ્ત કરેલ શૈક્ષણિક સિદ્ધિઓને યાદ કરતા જિલ્લાના શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા સૌને ધન્યવાદ આપ્યા હતા. આ પ્રસંગે તેમણે ગત વર્ષે બોર્ડ પરીક્ષામાં કચ્છ જિલ્લાએ સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમાંક મેળવી કરેલા ઉત્કૃષ્ટ દેખાવને યાદ કરતા ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી, અને ચાલુ વર્ષે પણ બોર્ડ પરીક્ષામાં પ્રથમ ક્રમાંક જાળવી રાખવા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને અનુરોધ કર્યો હતો.

જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાનેથી બોલતા કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડાએ જિલ્લાની શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને સિદ્ધિઓને બિરદાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, શ્રી નરેન્દ્રભાઈ મોદી દેશના પ્રથમ એવા વડાપ્રધાન છે કે જે વિદ્યાર્થી સાથે પણ સંવાદ કરે છે અને તેમને માર્ગદર્શન આપે છે. તેમણે વડાપ્રધાન દ્વારા વિદ્યાર્થીનાં સર્વાંગી વિકાસ માટે અમલમાં મૂકાતી અનેક યોજનાઓ અને કાર્યક્રમોનો ઉલ્લેખ કરી તેનો લાભ લેવા અને સદુપયોગ કરવા માટે અપીલ કરી હતી અને ઉચ્ચ ધ્યેય માટેની પ્રેરણા-સંકલ્પ લેવા અનુરોધ કર્યો હતો.

પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં ઉદબોધન કરતા કેશુભાઈ પટેલે એ જણાવ્યું હતું કે, વડાપ્રધાન દેશના વિદ્યાર્થી સાથે સીધી વાતચિત કરે તે અત્યંત ગૌરવની વાત છે. તેમણે વિદ્યાર્થીઓને હિંમત, વિશ્વાસ, મહેનત, પરિશ્રમ અને પુરી ક્ષમતાનો ઉપયોગ કરી સફળતા માટે અનુરોધ કર્યો હતો અને શુભેચ્છા પણ પાઠવી હતી…

અધ્યક્ષીય ઉદબોધન બાદ સભાખંડમાં રહેલા સર્વે વિદ્યાર્થીઓ, શિક્ષકો, બી.આર.સી. કોર્ડીનેટર ,પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મંડળના પ્રતિનિધિઓ, તેમજ તમામ મહાનુભાવો દિલ્હીથી પ્રસારિત માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના “પરીક્ષા પે ચર્ચા ૨૦૨૪ “ના લાઈવ કાર્યક્રમ સાથે જોડાયા હતા.

 

કાર્યક્રમના અંતે ડી.ઈ. ઓ. કચેરીના શિક્ષણ નિરીક્ષક પી. જી. ઝાલાએ ઉપસ્થિત સૌનો આભાર માન્યો હતો.

કાર્યક્રમમાં સંસ્થાનાં ટ્રસ્ટી ધનજીભાઈ પીન્ડોળીયાનું દ્વારા પુષ્પગુચ્છ અને પુસ્તક અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમને સફળ બનાવવા નાયબ પ્રા.શિ.અધિ.નિલેશભાઈ ગોર, ઈ.આઈ. શ્રી એન. આઇ. મન્સુરી, પૃથ્વીરાજ સિંહ ઝાલા, વનિતાબેન મહીડા, એ.ઇ.આઇ . દિપીકાબેન પંડ્યા, મેનાબેન મોઢા, પરેશભાઈ અજાણી, અમિતભાઈ ધોળકિયા, અશ્વિનસિંહ વાઘેલા, અર્ચનાબેન વાસાણી, કમલેશભાઈ સીજુ તેમજ શિક્ષકો સર્વશ્રી બેલાબેન મહેતા ,પ્રગતિબેન વોરા , નરેન્દ્ર ભાઈ રામાનુજ, હિરેનભાઈ દાવડા, નવજોતસિંહ રાઠોડ, નિખિલભાઇ ગોર , જયેશ ભાઈ ઠક્કર અને રુચિર વૈષ્ણવે , મેહુલ પરમાર તેમજ પરેશ ભાઈ માણેકે જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડગાળા હાઇસ્કૂલના ભૂમિબેન ચોકસી અને અમિતભાઈ ધોળકિયાએ કર્યું હતું.

[wptube id="1252022"]
Back to top button