
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
નવસારી નગરનાં અને તાલુકાનાં ગ્રામજનોને પ્રાકૃતિક પધ્ધતિથી ઉત્પાદિત આરોગ્યપ્રદ ફળો, શાકભાજી અને વિવિધ ખેતપેદાશો ખાવા મળે અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોને પોતાની ઉપજના પોષણક્ષમ ભાવો મળી રહે અને ભવિષ્યમાં પ્રાકૃતિક ખેતપેદાશોનું બજાર ઉભુ થાય એવા જનજાગૃતિનાં શુભ આશય સાથે આજરોજ રોજ જુની કલેક્ટર કચેરીના મુખ્ય ગેટ પાસે, જિલ્લા પંચાયત કચેરીના પટાંગણમાં રસાયણ મુક્ત ખેતી પ્રોજેક્ટ અંતર્ગત પ્રાકૃતિક ખેતપેદાશોનાં વેચાણ બજારનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ અવસરે જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી પુષ્પ લતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરેશભાઇ દેસાઇએ નગરજનોને આ નવી પહેલને વધાવી લેવા તથા વેચાણ બજારનો વધુમાં વધુ લાભ લેવા તેમજ ખેડુતોને શક્ય એટલો ટેકો આપવા માટે અપીલ કરી હતી. નવસારી તાલુકાના પ્રાકૃતિક ખેડુત એવા શ્રી સેજલભાઇ પટેલ ખેતીવાડી વિભાગની આ પહેલને વધાવી લીધી હતી અને ભવિષ્યમાં પણ આવા જ સહકારની અપીલ કરી હતી.
આ પ્રસંગે નવસારી તાલુકાનાં પ્રાકૃતિક ખેતી કરતા ૧૧ જેટલા ખેડુતો પોતાની ખેતપેદાશો સાથે હાજર રહ્યા હતા જેમાં ૦૬ મહિલા ખેડુતો પણ સામેલ રહ્યા હતા. વેચાણ બજારમાં નાગરિકોનો બહોળો પ્રતિસાદ મળતા ફક્ત ૨ કલાકમાં જ તમામ ખેતપેદાશોનું વેચાણ થઇ ગયુ હતું. પ્રથમ દિવસે જ આટલો સારો પ્રતિસાદ મળતા ખેડુતો પણ ખુશખુશાલ જોવા મળ્યા હતા. આજે શરૂ થયેલા પ્રાકૃતિક ખેતી વેચાણ બજારનો પ્રથમ દિવસ હોવાથી ઉત્પાદક ખેડૂતો ઓછો પ્રતિસાદ મળવાની ધારણાએ ખૂબ જ મર્યાદીત જથ્થામાં જે શાકભાજી ફળો ગોળ વગેરે આજ રોજ વેચાણ માટે લાવેલા હતા એ તમામ ૧૮૦ કિલો જેટલા શાકભાજી-ફળો અને ૪૫ કિલો ગોળનું સંપુર્ણ વેચાણ થવા પામ્યું હતુ. અને ખેડુતોને લગભગ રૂા.૧૭૦૦૦/- થી પણ વધુ આવક થવા પામી હતી. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત, નવસારી દ્વારા યાદીમાં જણાવાયું છે.





