
14 માર્ચ
વાત્સલ્યમ્ સમાચાર
રમેશ મહેશ્વરી – કચ્છ
મુન્દ્રા કચ્છ :- ગણિતને રસપ્રદ બનાવવા માટે તેને રોજબરોજની ઘટના સાથે સાંકળી લેવું જોઇએ અને આજનો દિવસ તેનું ઉત્તમ ઉદાહરણ છે જેને અનુલક્ષીને મુન્દ્રાની બી. એડ. કોલેજમાં વિશ્વ પાઇ દિવસની ઉજવણી પ્રસંગે દિન વિશેષ અંગે જાણકારી આપતા કોલેજના તાલીમાર્થી તિતિક્ષાબેન ઠક્કરે જણાવ્યું હતું કે આપણે ત્યાં તારીખો લખવામાં દિવસ પહેલા અને મહિનો પછી લખવામાં આવે છે જ્યારે અંગ્રેજીમાં તેનાથી ઊલટું લખાતું હોય છે એટલે કે માર્ચની 14 તારીખને 3-14 તરીકે લખવામાં આવે છે, પણ તેને જો 3.14 લખવામાં આવે તો તે એક ગાણિતિક અચળાંક પાઇની કિંમત જેટલું બને છે. ગણિતશાસ્ત્રમાં પાઈ એટલે વર્તુળના ઘેરાવાનો માપ (પરિઘ) અને વ્યાસનો ગુણોત્તર. સુત્રની રીતે જોઈએ તો પરિઘ ભાગ્યા વ્યાસ એટલે પાઈ(π). જેનું મૂલ્ય 22÷7 (આશરે 3.14) જેટલું થાય છે. આમ તો પાઈએ એક અસંમેય સંખ્યા છે, આમ છતાં પાઈની કિંમત ઉપર વર્તુળના સાઇઝની કોઈ અસર થતી નથી. એટલે કે નોટબુકમાં દોરેલું વર્તુળ હોય, ક્રિકેટનું મેદાન હોય કે પછી પૃથ્વીના ગોળાનું માપ હોય પરંતુ વર્તુળના ઘેરાવા અને વ્યાસનો ગુણોત્તરની કિંમત 3.14 જ રહે છે. ગણિતની આ અદભુત શોધ માટે આજના દિવસને વિશ્વ પાઇ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ ઉપરાંત આજે 20મી સદીના મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈનનું જન્મ દિવસ હોતા એમને સામુહિક ઉર્જાના સમાનતાના સિદ્ધાંત “સાપેક્ષવાદ” માટે યાદ કરવામાં આવ્યા હતા. શરૂઆતમાં સાપેક્ષવાદના સિદ્ધાંતને કોઈ માનવા તૈયાર નહોતું પરંતુ સમય જતા નિયમ સમજાતા તેમના સિદ્ધાંતનો ઉપયોગ એન્જીનીયરીંગ, બાંધકામ, અવકાશક્ષેત્રે અને અનેક ગાણિતિક ક્રિયાઓમાં કરીને તેમની અદભુત શોધ માટે લોકો આજે પણ તેમને સલામ કરે છે. અને તેમની આ અનન્ય શોધ માટે ફિઝિક્સનું સર્વોચ્ચ સન્માન નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું છે. આ તકે કોલેજના તમામ પ્રોફેસર અને તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.








