
૨૦-જૂન.
વાત્સલ્યમ્ સમાચાર
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – કચ્છ
સમગ્ર જિલ્લામાં વહેલીતકે વીજ પુરવઠો પુન:સ્થાપિત કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ રાખવાનું જણાવતા નાણાંમંત્રીશ્રી કનુભાઈ દેસાઈ
ભુજ કચ્છ :- કચ્છ જિલ્લામાં બિપરજોય વાવાઝોડા બાદની પરિસ્થિતિ અંગે રિસ્ટોરેશનની કામગીરીનો ખ્યાલ મેળવવા અને અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપવા માટે નાણાંમંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને કચ્છ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજાઈ હતી. કચ્છ જિલ્લા કલેક્ટરશ્રીએ પ્રેઝેન્ટેશનના માધ્યમથી બિપરજોય વાવાઝોડા પહેલા તંત્ર દ્વારા કરવામાં આવેલી પૂર્વ તૈયારીઓ અને હાલમાં ચાલી રહેલી કામગીરી વિશેની માહિતી આપી હતી. આ પ્રસંગે નાણાંમંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, વીજ પુન:સ્થાપનની કામગીરી ઝડપથી થાય તે માટે અગાઉથી ઊર્જા વિભાગ દ્વારા પગલાઓ લેવામાં આવ્યા હતા. જેના કારણે રિસ્ટોરેશનની કામગીરીમાં ઝડપ આવી છે અને મોટાભાગના વિસ્તારમાં વીજ પુરવઠો પુન:સ્થાપિત થઈ ગયો છે. આ સિવાય હાલમાં અમુક ગામડાઓમાં વીજ પુરવઠો શરૂ નથી થયો ત્યાં અલાયદી ટીમની મદદ લઈને કામગીરી કરવામાં આવી રહી છે. સ્થાનિક અધિકારીશ્રીઓની કામગીરીને બિરદાવીને મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સમગ્ર જિલ્લામાં વીજ પુરવઠો વહેલીતકે પૂર્વવત્ થાય તે ખૂબ જ જરૂરી છે. જે માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ રાખવા માટે નાણામંત્રીશ્રીએ તાકીદ કરી હતી. પીજીવીસીએલના જોઈન્ટ એમ.ડી.શ્રી પ્રીતિ શર્માએ વાવાઝોડા પહેલા વિભાગની તૈયારીઓ અને હાલમાં ક્યાં ક્યાં વિસ્તારમાં વીજ પુરવઠો શરૂ થઈ ગયો છે તેના વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. આ ઉપરાંત, બેઠકમાં માંડવી મુન્દ્રા ધારાસભ્યશ્રી અનિરુદ્ધભાઈ દવે, અબડાસા ધારાસભ્યશ્રી પદ્યુમનસિંહ જાડેજા અને ભુજના ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલે ઉપસ્થિત રહીને સ્થાનિક પ્રશ્નો અંગે નાણાંમંત્રીશ્રીને માહિતી કર્યા હતા.આ બેઠક દરમિયાન કચ્છ મોરબી સાસંદશ્રી વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પારૂલબેન કારા, ઊર્જા વિભાગના અગ્ર સચિવશ્રી મમતા વર્મા, પીજીવીસીએલના એમડીશ્રી જે.એમ.દવે, જીયુવીએનએલના એમડીશ્રી જયપ્રકાશ શિવહરે, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી ડૉ.કરણરાજ વાઘેલા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.પ્રજાપતિ, નાયબ સચિવશ્રી ભક્તિ શામળ, અગ્રણીશ્રી દેવજીભાઈ વરચંદ, પીજીવીસીએલના અધિક્ષક ઈજનેરશ્રી અમૃત ગરવા સહિત પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.








