
3 – એપ્રિલ
વાત્સલ્યમ્ સમાચાર
રમેશ મહેશ્વરી – કચ્છ
માંડવી કચ્છ :- બંદરીય શહેર માંડવી નગરે કચ્છી ગુર્જર લુહાર સમાજ સંચાલિત રામચંદ્રજી ભગવાનના મંદિર મધ્યે રામનવમી મહોત્સવ તથા વાર્ષિક પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમા યુવક મંડળના પ્રમુખ હેમાંગભાઈ કાનાણી અને લુહાર સમાજના પ્રમુખ અજયભાઈ કિર્તીભાઇ આસોડિયા તથા કાર્યક્રમના અધ્યક્ષ નિર્મલકુમાર અરવિંદભાઈ આસોડિયા દ્વારા વિવિધ આયોજનો કરવામાં આવ્યા હતા.કોડાય ગુરુકુળના ટ્રસ્ટી સંતો શાસ્ત્રી સ્વામી કૃષ્ણજીવન દાસજી, શાસ્ત્રી સ્વામી જયકૃષ્ણ દાસજી, શિષ્ય સ્વામી જય હરિદાસજી, મુક્તમુનીદાસજી સાથે નિત્યપ્રકાશ દાસજી ઉપસ્થિત રહી ધર્મસભાને સંબોધી હતી.મુખ્ય વક્તા શાસ્ત્રી સ્વામી જય કૃષ્ણદાસજી દ્વારા સનાતન ધર્મને ઉજાગર કરવા અને સંસ્કૃતિ જાળવી રાખવા તેમજ હિન્દુ ધર્મને મજબૂત કરવા આહવાન કરવામાં આવ્યું હતું. મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજી ભગવાનનું જીવન ચરિત્રની સમજ સાથે આજનો યુવાન કેવી રીતે ધર્મને સાથે રાખીને પરિવાર સાથે જીવન જીવી શકે તેની સમજણ આપવામાં આવી હતી. સનાતનીઓ તિલક, શિખા, પૂજા અને દેશ અને ધર્મની સુરક્ષા માટે તત્પર રહે તેવું સ્વામી દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું.ઘનશ્યામ બાલ મંડળ, વિદ્યા વિનય સંસ્કાર કેન્દ્ર તથા પ્રસાદી મંદિર માંડવીના બાળકો, ભવાની મહિલા મંડળની બહેનો તથા લુહાર ચોક યુવક મંડળના સહુ યુવાનો સાથે મળીને આ ભવ્ય કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.કાર્યક્રમમાં અખંડ ધૂન, મહાઆરતી, રામજન્મોત્સવ, અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાપ્રસાદના મુખ્ય દાતા ડો. ચિરાગ રાવલનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.મહાઆરતીમાં સંગીતની ટીમ ભરતભાઇ, ચેતનભાઈ, ભગવાનભાઈ, લાલાભાઈ, સુજનભાઈ તેમજ લવભાઈ દ્વારા સેવા આપવામાં આવી હતી.








