GUJARATJUNAGADHJUNAGADH CITY / TALUKO

મહાશિવરાત્રીના મેળામાં પધારતા ભાવિકોને પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ સાથે ન લાવવા જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રનો અનુરોધ

ભવનાથ તળેટી વિસ્તાર સહિત ઈકો સેન્સિટીવ ઝોનમાં આવતા ૨૭ ગામમાં પ્લાસ્ટિક સંપૂર્ણપણે પ્રતિબંધિત છે : તંત્રને સહકાર આપવા અનુરોધ

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : આધ્યાત્મિક અને પૌરાણિક મહત્વ ધરાવતા પ્રસિદ્ધ મહાશિવરાત્રીના મેળાનો તા.૫ માર્ચે વિધિવત રીતે પ્રારંભ થશે. ત્યારે મહાશિવરાત્રીના મેળામાં પધારતા ભાવિકોને પ્રતિબંધિત પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ સાથે ન લાવવા જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયા પર્યાવરણ અને પ્રકૃતિ માટે હાનિકારક પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ અટકે તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી દિશાનિર્દેશ આપવાની સાથે સમયાંતરે તેની સમીક્ષા કરી રહ્યા છે. કલેકટરશ્રીએ ખાસ મહાશિવરાત્રીના મેળામાં આવતા ભાવિકોને પણ પ્રતિબંધિત પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ સાથે ન લાવવા અને તંત્રને જરૂરી સહયોગ આપવા અપીલ કરી છે.
આ સંદર્ભે નાયબ વન સંરક્ષકશ્રી અક્ષય જોશીએ જણાવ્યું કે, એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ મુજબ પ્લાસ્ટિક પ્રતિબંધની જોગવાઈ થયેલ છે. જેની અમલવારી માટે ત્રણ સ્ટેશન ટીમ અને ત્રણ મોબાઇલ ટીમની રચના કરવામાં આવી છે, સ્ટેશન ટીમ ગિરનાર પર્વતની નવી અને જૂની સીડી ઉપરાંત દાતારના એન્ટ્રી પોઇન્ટ પર કાર્યરત છે, અને ગિરનાર પર પ્લાસ્ટિક જતું અટકાવવા માટે જરૂરી કાર્યવાહી કરશે.
પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ અટકાવવા માટે ૩ મોબાઈલ ટીમ કાર્યરત રહેશે, જે મહાશિવરાત્રીના મેળા સહિતના વિસ્તારમાં ફરીને પ્લાસ્ટિક વપરાશને અટકાવવા માટે જરૂરી કાર્યવાહી કરશે સાથે જ આ કાયદાની અમલવારીમાં સહકાર ન આપવામાં આવે તો દંડ સહિતની કડક કાર્યવાહી કરશે.
આ ૩ મોબાઇલ ટીમમાં વન વિભાગ ,પોલીસ, મહાનગરપાલિકા અને પંચાયતના અધિકારી-કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ગિરનાર અભયારણ્ય ઉપરાંત ભવનાથ તળેટી વિસ્તાર સહિત ઈકો સેન્સિટીવ ઝોનમાં આવતા ૨૭ ગામમાં પ્લાસ્ટિક સંપૂર્ણપણે પ્રતિબંધિત છે.
પ્લાસ્ટિક પ્રતિબંધની અસરકારક અમલવારી થાય તે માટે જનજાગૃતિ ઝુંબેશ ચલાવવામાં આવશે. આ ઝુંબેશને આયોજનબદ્ધ રીતે ચલાવવા માટે પ્રાંત અધિકારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, ડેપ્યુટી કમિશનર અને એસીએફના સમાવેશ કરતી એક કમિટીની રચના કરવામાં આવી છે. પ્લાસ્ટિકથી પ્રકૃતિ અને પર્યાવરણને થતા નુકસાન માટે અવરનેશ લાવવા રેલી, વિવિધ સ્પર્ધા, નેચર એજ્યુકેશન કેમ્પ યોજવામાં આવશે. ઉપરાંત બેનર, હોર્ડિંગ્સ, ભીતસૂત્રો દ્વારા પણ જાગૃતિ માટેના જરૂરી પગલાં લેવાશે.
ગિરનાર સીડી પર પણ હિન્દી ઈંગ્લીશ ગુજરાતી ભાષા ઉપરાંત મહારાષ્ટ્રમાંથી સવિશેષ દત્તાત્રેય ભગવાનના દર્શન માટે ભાવિકો આવતા હોવાથી મરાઠીમાં પણ જનજાગૃતિ અર્થેના સાઈન બોર્ડ બેનર મુકવામાં આવ્યા છે. તેમજ ૨૫૦ જેટલી ડસ્ટબિન મૂકવામાં આવી છે.
મહાશિવરાત્રીના મેળા દરમિયાન ગિરનાર સીડી પર સફાઈનું સ્તર પણ જળવાઈ રહે તે માટે વધારાના ૨૦૦થી વધારે સફાઈ કર્મીઓ કાર્યરત રહેશે. ઉપરાંત વનવિભાગના અન્ય ડિવિઝનના અધિકારીઓ કર્મચારીઓ મેળા દરમિયાન ફરજરત રહેશે.
ઉપરાંત ગિરનાર ભવનાથ તીર્થ ક્ષેત્રના સાધુ સંતો દ્વારા પણ ભાવિકોને પ્લાસ્ટિક સાથે ન લાવવા અપીલ કરવામાં આવશે. તેમ નાયબ વન સંરક્ષકશ્રીએ જણાવ્યું હતું.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button