
ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધન લગભગ નક્કી : ઇસુદાન ગઢવી

આમ આદમી પાર્ટી ભરૂચ અને ભાવનગર લોકસભા બેઠક પૂરી તાકાત સાથે લડશે : ઈસુદાન ગઢવી
તાહિર મેમણ – ડેડીયાપાડા – 22/02/2024- આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવીએ એક પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, 2014માં ભાજપે વાયદા કર્યા હતા કે દર વર્ષે બે કરોડ નોકરી આપવામાં આવશે, કાળુ ધન પાછું લાવવામાં આવશે, ખેડૂતોને સ્વામીનાથન કમિટીના રિપોર્ટ પ્રમાણે મૂલ્ય ચૂકવવામાં આવશે અને પેટ્રોલ ડીઝલના ભાવ ઓછા કરવામાં આવશે. પરંતુ આ બધા વાયદા અધ્ધરતાલ રહી ગયા છે. થોડા દિવસ અગાઉ આપણે જોયું કે ચંદીગઢ મેયર ચૂંટણીમાં ખુલ્લેઆમ લોકતંત્રની હત્યા કરવામાં આવી. સદનસીબે સુપ્રીમ કોર્ટના કારણે લોકતંત્ર બચી ગયું. આના પરથી સ્પષ્ટ પણે કહી શકાય કે હાલ દેશમાં લોકતંત્ર અને આઝાદીને બચાવવી ખૂબ જરૂરી છે.
પાર્ટીથી વધુ ઉપર દેશ છે, એને ધ્યાનમાં રાખીને ઇન્ડિયા ગઠબંધનની રચના કરવામાં આવી છે. હાલ સત્તાવાર જાહેરાત નથી થઈ, પરંતુ થોડા સમયમાં ગુજરાત અને દિલ્હીમાં ઇન્ડિયા ગઠબંધન લાગુ થશે. અમને પૂરો વિશ્વાસ છે કે ઇન્ડિયા ગઠબંધન ભાજપ સામે ચૂંટણી લડશે તો ભાજપ આ વખતે 26 માંથી 26 સીટો નહીં જીતી શકે. પ્રદેશના નેતૃત્વ સાથે ચર્ચા કરીને થોડા દિવસ અગાઉ આમ આદમી પાર્ટીના બે લોકસભા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી અને ભવિષ્યમાં પણ વધુ બેઠકોની જાહેરાત કરવામાં આવશે.









