જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા ઝોન કક્ષાની વકતૃત્વ સ્પર્ધા યોજાઈ
'ગુજરાત સાંસ્કૃતિક વકતૃત્વ સ્પર્ધા' અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં વિવિધ પાંચ યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : રાષ્ટ્રીય સેવા યોજના(એન.એસ.એસ.), ઉચ્ચ શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય અને સેવ કલ્ચર સેવ ભારત ફાઉન્ડેશન દ્વારા આયોજિત ગુજરાત સાંસ્કૃતિક વકતૃત્વ સ્પર્ધા અંતર્ગત ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ ખાતે આજરોજ ઝોન કક્ષાની વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ નંબરે સિસોદિયા મિનાક્ષી રામભાઈ, દ્વિતીય નંબરે બેલીમ કૌશર નાસીરખાન તથા તૃતીય નંબરે લાખણોત્રા જયશ્રી ધીરુભાઈ વિજેતા બન્યા હતાં. વિજેતાઓને અનુક્રમે ૧૧ હજાર, ૭ હજાર અને ૫ હજાર રૂપિયાનું ઇનામ અપાયું હતું. ત્રણેય વિજેતાઓ હવે ૧૪ ફેબ્રુઆરીના રોજ ગુજરાતના મુખ્યમંત્રીની હાજરીમાં યોજાનાર રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. રાજ્ય કક્ષાએ પ્રથમ આવનારને સરકાર તરફથી ૧ લાખ રૂપિયા આપવામાં આવશે.
ઝોન કક્ષાની વકતૃત્વ સ્પર્ધામાં ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, કામધેનું યુનિવર્સિટી, નોબલ યુનિવર્સિટી, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની એફીલીએટેડ કોલેજમાં કોલેજ કક્ષાની વકતૃત્વ સ્પર્ધામાં પ્રથમ આવનાર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધાના વિષયોમાં મિશન સ્વચ્છ સાઈબર ભારત, ચારિત્ર્ય નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ, શીલ સંસ્કૃતિ અને સદાચાર રક્ષા,વર્તમાન સમયની અનિવાર્યતા : મુલ્ય શિક્ષણ તથા રાષ્ટ્રીય સેવા યોજના : એક ભારત શ્રેષ્ઠ ભારતનો સમાવેશ થતો હતો.
ઉદ્ઘાટન સમારોહમાં અધ્યક્ષસ્થાનેથી બોલતા ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રો.(ડો.)ચેતનભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે સમયના પ્રવાહમાં ખેંચાયા વગર ભારતીય વિચાર, જ્ઞાન અને પરંપરાને સમજનાર અચૂક વિજેતા બને છે. વિશાળ સાંસ્કૃતિક ધરોહર ધરાવતા ભારતનું શિક્ષણ, ધર્મ અને સાંસ્કૃતિક વ્યવસ્થા મજબુત થાય તો જ સમાજને મજબૂતી મળે તેવું પણ કુલપતિએ જણાવ્યું હતું. ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓ, ભારતના લોકોની પરોપકારી વૃતિ અને સમાજસેવાને પણ વિકસિત ભારતના પાયારૂપ ગણાવ્યા હતા.
કાર્યક્રમમાં મુખ્ય મહેમાનપદે હાજર રહેલ પૂર્વ સેન્ટ્રલ ઇન્ફર્મેશન કમિશનર (જજ) અને સેવ કલ્ચર સેવ ભારત ફાઉન્ડેશનના સંસ્થાપક ઉદય માહુકરજીએ જણાવ્યું હતું કે સંસ્કાર અને ચારિત્ર્યના સમન્વયથી જ ઉત્તમ રીતે રાષ્ટ્રનિર્માણ થઇ શકે છે. હાલમાં ભારતનો પુનઃજાગરણનો સમય ચાલતો હોય તમામ સમાજો હળીમળીને રહે તે ખુબ જરૂરી છે. કડક કાયદાને કારણે જ સ્ત્રીઓ ઉપરના અત્યાચારો બંધ થઇ શકે છે તેવું પણ ઉદય માહુકરજીએ જણાવ્યું હતું. કાર્યક્રમમાં યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ડો. ડી.એચ.સુખડીયા તથા નિર્ણાયકો તરીકે પ્રો.રમેશભાઈ મહેતા, પ્રો.નયનભાઈ ટાંક તથા પ્રિન્સીપાલ સ્મિતાબેન છગ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન, મહેમાનોનો પરિચય તથા સંચાલનની જવાબદારી યુનિવર્સિટીના એન.એસ.એસ. કો ઓર્ડીનેટર ડો.પરાગ દેવાણીએ સંભાળી હતી. અંતમાં આભારવિધિ સેવ કલ્ચર સેવ ભારત ફાઉન્ડેશનના કોર કમિટીના સભ્ય એડવોકેટ અભય શાહે કરી હતી.





