
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
રાષ્ટ્રની આન, બાન અને શાન સમા ત્રિરંગાને આહવાના ફલક પર લહેરાવી, બા અદબ સલામી આપ્યા બાદ ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતિએ, તેમના પ્રજાજોગ સંબોધનમાં ડાંગના પ્રજાજનોને રાજ્ય સરકારવતી પ્રજાસત્તાક પર્વની શુભકામના પાઠવી, ઉજ્જવળ ભવિષ્યના આશીષ પાઠવ્યા હતા.
મંત્રીશ્રીએ ભારતવર્ષનું ગૌરવગાન કરતા ‘મેરે ભારત કી મહિમા તો, સભી દેવો ને માની હે, તભી તો જન્મ લેને કી, ઇસ ભૂમિ પર ઠાની હે’ એ પંક્તિઓ સાથે ભારતમાં સદીઓ બાદ જાગેલી નવચેતના જગાવતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘રામ એક ઉર્જા છે, રામ ભારતની પ્રતિષ્ઠા અને પ્રતાપ છે’ એ શબ્દોને દોહરાવ્યા હતા.
એક ભારત, એક રાષ્ટ્ર’ ના સંકલ્પ સાથે આગળ વધી રહેલા ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ‘ટિમ ગુજરાત’ એ પણ વિકસિત ભારત-૨૦૪૭ની પરિકલ્પનાને સાકાર કરવાની દિશામાં નક્કર પગલાં લીધા છે તેમ, ગુજરાતના વિકાસની ગાથા વર્ણવતા જણાવ્યું હતું.
પ્રજાજનોના આશીર્વાદથી છેલ્લા સવા બે દાયકાથી ગુજરાતના વિકાસ થકી ભારતના ભવ્ય અને દિવ્ય નિર્માણ માટે અપ્રતિમ ચેતના જાગી છે ત્યારે, લોકોની અપેક્ષાઓની પૂર્તિ માટે સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા સરકારના આદિજાતિ વિકાસ, ગ્રામ વિકાસ તથા શ્રમ રોજગાર વિભાગના રાજયમંત્રીશ્રીએ, કૃષિ ક્ષેત્રે ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારે ‘ઇન્ડેક્સ-એ’ ની સ્થાપના કરવાનો નિર્ણય લીધો છે તેમ જણાવ્યું હતું. સાથે રાજ્યમાં નાળિયેરના વાવેતરને વધારવા અને તેને સંલગ્ન ઉદ્યોગોના વિકાસ માટે ‘ગુજરાત નાળિયેરી વિકાસ મિશન’ ની સ્થાપના કરવામાં આવી છે તેમ પણ આ વેળા ઉમેર્યું હતું.
ખેતીક્ષેત્રે ડાંગ જિલ્લાને મળેલા પ્રતિષ્ઠિત ‘સ્કોચ એવોર્ડ’ બાબતે ટિમ ડાંગને અભિનંદન પાઠવતા મંત્રી શ્રી હળપતિએ, ડાંગ જિલ્લામાં આદિજાતિ વિકાસની વિગતો પણ પ્રજાજનો સમક્ષ રજુ કરી હતી. તેમને મહિલા સશક્તિકરણ, આરોગ્ય, શિક્ષણ, પ્રવાસન, વન, ગ્રામ વિકાસ, રોજગારી, સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ જેવા વિવિધ ક્ષેત્રે ડાંગ જિલ્લામાં થયેલા વિકાસની વાતો વર્ણવી, ગુજરાત રાજ્યના ‘ધોરડો’ને ટુરિઝમ ક્ષેત્રે યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા મળેલા ‘બેસ્ટ ટુરિઝમ વિલેજ’ એવોર્ડ, અને ગુજરાતમાં સ્થપાનારી એસ.આર.પી. ની મહિલા બટાલિયનનો ઉલ્લેખ કરી, ગુજરાતના ‘ત્રિનેત્ર : ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર’ને ભારત સરકારનો ‘નેશનલ ઇ-ગવર્નન્સ ગોલ્ડ’ એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે તેમ સગર્વ ઉમેર્યું હતું.
નવા ભારતના નિર્માણ સાથે ‘ઇન્ડિયન પીનલ કોડ’ના સ્થાને હવે ‘ભારતીય ન્યાય સંહિતા’ ઉપરાંત ‘સી.આર.પી.સી.’ના બદલે ‘ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા’ના અમલ સાથે, ભારત સરકારે ‘દેશદ્રોહ’ જેવા દમનકારી આરોપને નવા કાયદામાંથી દૂર કરાયો છે તેમ પણ મંત્રીશ્રીએ તેમના પ્રજાજોગ વક્તવ્યમાં જણાવ્યું હતું.
મંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતિએ સત્તા ને જનસેવાનું સાધન ગણવાની સરકારની પ્રતિબદ્ધતા વર્ણવી વંચિતો, યુવાનો, આદિવાસીઓ, ખેડૂતો, મહિલાઓ, અને બાળકોના વિકાસ માટે સતત ચિંતિત અને કાર્યરત સરકારનો અભિગમ સ્પષ્ટ કરી, સૌના સાથ અને સૌના આશીર્વાદથી નિષ્ઠાપૂર્વક આગળ વધી રહેલી ડબલ એન્જીનની સરકારને સતત પ્રજાજનોના આશીર્વાદ મળતો રહે તેવી કામના વ્યક્ત કરી હતી.
*શિસ્તબદ્ધ પરેડ*
આહવા સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત ૭૫માં ગણતંત્ર દિવસ ઉજવણીના કાર્યક્રમમાં શિસ્તબદ્ધ અને આકર્ષક પરેડ પ્રસ્તુત કરવામાં આવી હતી. પરેડ કમાન્ડર શ્રીમતી એસ.બી.ટંડેલની આગેવાની હેઠળ આહવા ખાતે પોલીસ (હથિયારી/બિન હથિયારી)ની પ્લાટુન સહિત વનપાલ સહાયક (મહિલા/પુરૂષ), પોલીસ બેન્ડના જવાનો, હોમગાર્ડ્ઝ યુનિટ અને ગ્રામ રક્ષક દળ, તથા એસ.પી.સી. કેડેટ્સ દ્વારા પોલીસ બેન્ડની સુરાવલીઓ વચ્ચે આકર્ષક પરેડ રજુ કરવામાં આવી હતી. જેમાં ચુનંદા યુવક/યુવતિઓ, જવાનોએ જોમ અને જુસ્સા સાથે ભાગ લીધો હતો. પ્રથમ ત્રણ ક્રમે આવેલી પ્લાટુનને મહાનુભાવોના હસ્તે પારિતોષિકો પણ એનાયત કરાયા હતા. પ્રભારી મંત્રીશ્રી તેમજ ઇન્ચાર્જ કલેક્ટરશ્રી અને પોલીસ અધિક્ષકશ્રીએ ખુલ્લી જીપમાં ફરીને પરેડનું નિરીક્ષણ કરી, સૌનું અભિવાદન પણ ઝીલ્યુ હતું.
*માહિતીપ્રદ ટેબ્લોઝ*
પ્રજાસત્તાક પર્વ ઉજવણી કાર્યક્રમના ભાગરૂપે અહીં જિલ્લાની જુદી જુદી કચેરીઓ દ્વારા માહિતીપ્રદ ટેબ્લોઝ પણ રજુ કરાયા હતા. જેમાં આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા સંકલિત ડેરી વિકાસ યોજના તથા પશુપાલનની વિવિધ યોજનાઓની રજુઆત કરવામાં આવી હતી. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના, માછલી ઉછેરનું તળાવ, સ્વચ્છ ભારત મિશન ફેઝ-૨, તથા NRLM યોજના અંતર્ગત વર્ષે ૨૦૨૩-૨૪મા નાગલી પાપડ બનાવીને વેચાણ કરી સ્વરોજગાર મેળવતી બહેનો, પાણી પુરવઠા, જિલ્લા ખેતીવાડી અધિકારી, અને ખેતી નિયામકશ્રી, નાયબ વન સંરક્ષકશ્રી ઉત્તર/દક્ષિણ ડાંગ વન વિભાગની થીમ પર્યાવરણ સુરક્ષા વન એ જીવન, આરોગ્ય વિભાગ દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પ્રોગ્રામ ઓફિસર શ્રી સંકલિત બાળ વિકાસ યોજના દ્વારા પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને આઈ.સી.ડી.એસ. યોજના, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીની કચેરી દ્વારા શિક્ષણની વિવિધ યોજનાઓ, પોલીસ અધિક્ષકશ્રીની કચેરી દ્વારા મહિલા અને સુરક્ષા, સાયબર સુરક્ષા તેમજ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી દ્વારા મોબાઈલ ડેમોનસ્ટ્રેશન વાન રજૂ કરાઈ હતી. પ્રથમ ત્રણ ક્રમે રહેલા માહિતીપ્રદ ટેબ્લોઝને પણ પારિતોષિકો એનાયત કરવામાં આવ્યા હતા.
*રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો*
ફૂલગુલાબી ઠંડીમા આહવાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે દીપ દર્શન માધ્યમિક શાળા આહવા, આશ્રમ વિદ્યાલય આહવા, એકલવ્ય રેસીડેન્સીયલ મોડેલ સ્કૂલ આહવા, સરદાર પ્રાથમિક શાળા આહવા, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી આહવા, સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા આહવા જેવી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના બાળકોએ દેશભક્તિ ગીતો રજુ કર્યા હતા. જોશભેર રજુ થયેલા આ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં બાળ કલાકારોએ તેમનામાં રહેલી કળાના દર્શન કરાવ્યા હતા. મહાનુભાવોએ તેમની આ કળાકૃતિઓને બિરદાવતા રોકડ પારિતોષિકોથી નવાજ્યા હતા. પ્રથમ ત્રણ ક્રમે આવનારી શાળાઓને ઇનામોનું પણ વિતરણ કરાયુ હતું.
*ચેક, ટ્રોફિ, પારિતોષિકો અને સન્માનપત્રોનું વિતરણ*
ધ્વજવંદનના મુખ્ય કાર્યક્રમ બાદ પ્રભારી મંત્રીશ્રીના હસ્તે આહવા તાલુકાના વિકાસના કામો માટે સામાન્ય વહીવટ વિભાગ, આયોજન વિભાગ માટે રૂ.૨૫ લાખનો ચેક અર્પણ કરાયો હતો.
આ ઉપરાંત મહાનુભાવોના હસ્તે ગત દિવસો દરમિયાન આયોજિત કરાયેલી વિવિધ શૈક્ષણિક સ્પર્ધાઓના વિજેતાઓ, આરોગ્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારાઓ, શ્રેષ્ઠ રમતવીરો, અને અકસ્માત સમયે પ્રશસ્ય બચાવ રાહત કામગીરી કરનારા સેવાભાવીઓનું પણ વિશેષ અભિવાદન કરાયુ હતું.
*રંગારંગ પ્રભાતફેરી*
આહવા ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીના મુખ્ય કાર્યક્રમ પૂર્વે, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી જીગ્નેશ ત્રિવેદીના હસ્તે લીલી ઝંડી આપી પ્રભાત ફેરીને પ્રસ્થાન કરાવી હતી. આહવાના ગાંધી ઉઘાન (સર્કલ) ખાતેથી પોલીસ પરેડ ગ્રાઉન્ડ સુધી આયોજિત રંગારંગ પ્રભાતફેરીમાં વિવિધ પ્રાથમિક, માધ્યમિક અને કોલેજના અંદાજીત બે હજારથી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા.
*મહાનુભાવોની ઉપસ્થિતિ*
આહવા ખાતે યોજાયેલા પ્રજાસત્તાક પર્વ ઉજવણીના કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલ, જિલ્લા પંચાયતના માજી પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિત, આહવા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સુરેશભાઈ ચૌધરી, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, રાજવીશ્રીઓ, સમાજિક અગ્રણીઓ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી આર.એમ.ડામોર, પોલીસ અધિક્ષક શ્રી યશપાલ જગાણીયા, નાયબ વન સંરક્ષક શ્રી દિનેશ રબારી, પ્રાંત અધિકારી શ્રી પ્રિતેશ પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી તેમજ ઇન્ચાર્જ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી હિરલ પટેલ સહિતના ઉચ્ચ વરિષ્ઠ અધિકારીઓ, અગ્રણીઓ, પ્રજાજનો, વિઘાર્થીઓ, શિક્ષકો વિગેરે મોટી સંખ્યામાં જોડાયા હતા.
કાર્યક્રમના ઉદ્ધોષક તરીકે સર્વશ્રી વિજયભાઈ ખાંભુ, બીજુબાલા પટેલ, અને સંદીપભાઈ પટેલે સેવા આપી હતી. કાર્યક્રમ બાદ મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ પૂર્વે મંત્રીશ્રીએ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે તૈયાર કરાયેલા ‘શહીદ સ્મારક’ ખાતે વીર શહીદોને શ્રદ્ધાસુમન પણ અર્પણ કર્યા હતા.









