સીએસઆર ઓથોરિટીના માધ્યમથી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા નર્મદા જિલ્લાને ચાર એમ્બ્યુલન્સની ભેટ

સીએસઆર ઓથોરિટીના માધ્યમથી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા નર્મદા જિલ્લાને ચાર એમ્બ્યુલન્સની ભેટ
નર્મદા જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયા અને જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુના હસ્તે લીલીઝંડી આપી એમ્બ્યુલન્સનું પ્રસ્થાન
નવી એમ્બ્યુલન્સ થકી નાંદોદ અને દેડિયાપાડાના અંતરે વિસ્તારમાં ઝડપી અને અસરકારક આરોગ્યલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ થશે – કલેકટર તેવતિયા
રાજપીપલા : જુનેદ ખત્રી
સીએસઆર પ્રવૃત્તિ હેઠળ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા એસ્પિરેશનલ નર્મદા જિલ્લાને ચાર પેશન્ટ ટ્રાન્સપોર્ટ એમ્બ્યુલન્સની ભેટ મળતા જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયા અને જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુએ લીલી ઝંડી આપીને જિલ્લા સેવા સદનન ખાતેથી એમ્બ્યુલન્સ નું પ્રસ્થાન કરાવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા કલેકટર તેવતિયાએ જણાવ્યું કે, જિલ્લાને મળેલ ચાર એમ્બ્યુલન્સ પૈકી બે એમ્બ્યુલન્સ નાંદોદ બ્લોક અને બે દેડિયાપાડા તાલુકામાં ફાળવવામાં આવશે. જેનાથી જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં ઝડપી અને અસરકારક આરોગ્ય સુવિધાઓ અને સુખાકારીમાં વધારો થશે. એ એમ્બયુલન્સ થકી નાંદોદના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તરોપા અને ખુટાઆંબા તેમજ દેડિયાપાડાના ખૈડીપાડા અને સેજપુરના અંદાજે ૮૦ હજાર લોકોને આરોગ્યની સુવિધાઓ મળી રહેશે.

આ તકે જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુએ વર્ચ્યુઅલ કોન્ફરન્સ દરમિયાન ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન તેમજ ગુજરાત સીએસઆર ઓથોરિટીનો આભાર વ્યક્ત કરતા આગામી સમયમાં જિલ્લાના આરોગ્ય અને પોષણ ક્ષેત્રને મજબૂત બનાવવા માટે મળનારા સહયોગ અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જનકકુમાર માઢકે જણાવ્યું કે, અંતરિયાળ વિસ્તાર માટે ફાળવવામાં આવેલી આ એમ્બ્યુલન્સની ઇમરજન્સીમાં દર્દીને સમયસર, યોગ્ય અને અસરકારક રીતે સારવાર આપી હોસ્પિટલ સુધી પહોંચાડવામાં સક્ષમ બનશે. આ એમ્બ્યુલન્સમાં દર્દી માટે સ્ટ્રેચર સહિત ચાર અનુકૂળ બેઠક વ્યવસ્થા અને સુવિધાઓ તેમજ ઓક્સિજન સહિતની પ્રાથમિક સારવાર મળી રહેશે.









