
જંબુસર તાલુકાના કાવલી પંથકમાં ભૂંડોના અસહ્ય ત્રાસને કારણે ખેડૂતો ચિંતામાં ગરક.
જંબુસર તાલુકાના કાવલી પંથકમાં કૃષિ ક્ષેત્રે જંગલી ભૂંડોનાં અસહ્ય ત્રાસથી કિસાનો ચિંતિત બન્યા છે. કોઈપણ વ્યવસાયી ક્ષેત્રે કુદરતી કે માનવ સર્જિત આપત્તિઓ આવતી જ રહેતી હોય છે. કૃષિ ક્ષેત્ર એ અર્થતંત્રનું મુખ્ય પાસું ગણાય છે. ૬૦ ટકા લોકો ખેતીવાડી ઉપર નિર્ભર છે.ખેતી એ આપણા દેશનો પ્રાણાધાર કહીએ તો તેમાં કોઈ અતિશયોક્તિ નથી જ. કાવલી પંથકમાં અત્યારે જંગલી ભૂંડોનો અસહ્ય ત્રાસ વધી જવા પામેલ છે. અત્યારે શંકર કપાસના છોડવા ઉપર ઘોડા પલંગ કરીને બેસી જાય છે અને જેના કારણે કપાસની ડાળીઓ ભાગી જાય છે અને જમીન દોસ્ત થઈ જાય છે. આ ભૂંડોના ત્રાસમાંથી બચવા માટે ખેડૂતો વિવિધ પ્રકારના ઉપાયો અજમાવી રહ્યા છે. મોંઘા ભાવના બિયારણો , જંતુનાશક દવાઓ અને મજૂરી ખર્ચ ના કારણે ખેડૂત દેવાદાર બની રહ્યો છે. એક તરફ કુદરતી આપત્તિ અને બીજી તરફ ભૂંડ અને નીલગાયની હેરાનગતિ વધતી જાય છે.
આ જંગલી ભૂંડો દિવસ દરમિયાન તેઓ ગાંડા બાવળના ઝૂંડોમાં રહે છે અને રાત્રે તેઓ બહાર નીકળીને આખા વગામાં ફરી વળે છે. અને અત્યારે જંગલી ભૂંડોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો જાય છે. રાત્રિના સમયે ખેડૂતો ખેતરમાં જતા નથી કારણ કે જંગલી ભૂંડો ક્યારે હુમલો કરે તે કહેવાય નહીં. આ જંગલી ભૂંડો પહેલા શહેરોમાં જોવા મળતા હતા પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી હવે તે ગ્રામ્ય વિસ્તારની સીમમાં નર્મદા કેનાલના પાણી મળવાને કારણે અને દિવસ દરમિયાન છુપાવવા માટે ગાંડા બાવળના ઝુંડો હોવાથી તેઓ છુપાઈને પડ્યા રહે છે અને રાત્રિના સમયે બહાર નીકળીને ખરીફ પાકને નુકસાન પહોંચાડી રહ્યા છે જેથી આ વિસ્તારના ખેડૂતોને પડતા પર પાટુ જેવી સ્થિતિ થઈ છે. આ વિસ્તારના ખેડૂતો જાળીઓ તેમજ સાડીઓ બાંધીને કપાસનું રક્ષણ કરી રહ્યા છે.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ









