ગુજરાતમાં વિદ્યાર્થીઓનો ડ્રોપઆઉટનો આંકડો ૧ લાખથી પણ વધુ

અમદાવાદઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કો-કન્વીનર અને પ્રવક્તા હેમાંગ રાવલે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે માત્ર અમદાવાદ જિલ્લામાં ધોરણ ૮ માંથી પાસ થયેલા ૧૦,૦૦૦ જેટલા વિધાર્થીઓ ડ્રોપ આઉટ થયા છે. આ આંકડાને ધ્યાનમાં રાખીએ તો રાજ્યનો ડ્રોપ આઉટ રેશિયો એક લાખ જેટલો થયો હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો હતો અને શિક્ષણક્ષેત્રે ભાજપ સરકારની મોટા મોટા દાવા કરતી જાહેરાતોની પોલ ખુલ્લી પડી છે, તેવી ટીકા પણ કૉંગ્રેસે કરી હતી.
શાળાઓનો ડ્રોપાઉટ રેશિયો ખૂબ જ વધી ગયો છે અને આ વધેલા ડ્રોપાઉટ રેશિયોના કારણે ભારતીય જનતા પાર્ટીના શાસનની શિક્ષણની નિષ્ફળતાઓ બહાર ના આવે તેના માટે સરકારે રવિવારે અમદાવાદ ખાતે શિક્ષણ વિભાગે સ્ટાફને બોલાવીને ડ્રોપ આઉટ થયેલા વિદ્યાર્થીઓનો સંપર્ક કરીને તેમને યેનકેન પ્રમાણે ફરીથી ભણતા કરવા માટેના નિષ્ફળ પ્રયત્ન કરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ પ્રવક્તા હેમાંગ રાવલે કર્યો હતો. પ્રાપ્ત થતી માહિતી અનુસાર ધોરણ ૮ માંથી ધોરણ ૯ માં ન ગયેલા અને એડમિશન ન લીધેલા માત્ર અમદાવાદ જિલ્લાના ૧૦,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ છે આને જો પ્રોડેટા પ્રમાણે ગણવામાં આવે તો આ આંકડો સમગ્ર ગુજરાતનો માત્ર ધોરણ ૮માંથી ૯માં એડમિશન ન લઈને ડ્રોપ આઉટ થનારા વિદ્યાર્થીઓનો હોઇ શકે છે જે એક લાખથી વધુ હોઈ શકે છે. જે ગુજરાતના શિક્ષણ માટે ખૂબ જ ગંભીર બાબત છે.
આ સાથે તેમણે જણાવ્યું હતું કે રાજ્યની ૩૮૦૦૦ સરકારી શાળાઓમાંથી ૫૬૧૨ સરકારી શાળાને ઓછી સંખ્યાના નામે મર્જ કે બંધ થઈ છે. ૩૨ હજાર શિક્ષકોની લાંબા સમયથી જગ્યાઓ ખાલી છે. ૩૮ હજાર વર્ગખંડોની મોટા પાયે ઘટ છે. ૧૬૫૭ શાળા માત્ર એક શિક્ષકથી ચાલી રહી છે. ૧૪,૬૫૨ શાળા એક વર્ગખંડમાં એક કરતાં વધારે ધોરણના વિદ્યાર્થીઓને ભણવા માટે મજબુર થવું પડે છે. આ મામલે સરકાર તરફથી કોઈ સ્પષ્ટતા કરવામા આવી નથી.










