
તા.૧૯.૦૨.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
ઝાલોદ તાલુકાના પાવડી ખાતે ડૉ. જયપાલસિંહ મુંડા આદિવાસી ખેલ મહોત્સવ યોજાયો
ઝાલોદ તાલુકાના પાવડી ખાતે આવેલ એસ.આર. પી.એફ ગ્રાઉન્ડમાં બિરસા મુંડા ભવન દાહોદ, સાયનેપ્સ મેડિકલ એસોસિએશન દાહોદ અને સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે ડૉ. જયપાલસિંહ મુંડા આદિવાસી ખેલ મહોત્સવ યોજાઇ ગયો. આ ખેલ મહોત્સવના ઉદ્દઘાટન પ્રસંગે બિરસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટના અધ્યક્ષ વી.એમ.પારગી, મંત્રી સી.આર. સંગાડા, આમંત્રિત મહેમાનો જિલ્લા શિક્ષણાધિકારી સુરેન્દ્રસિંહ દામા, એસ.આર. પી.એફ.ગૃપના ઈન્ચાર્જ સેનાપતિ એમ.એમ. મકરાણી, ભીલ સેવા મંડળના પ્રમુખ શાંતિલાલ નિનામા, દાહોદ ભવનના કન્વીનર એફ.બી.વહોનીયા, ખેલ મહોત્સવના કન્વીનર રાજેશભાઈ વસૈયા ,તાલુકા પંચાયત પ્રમુખ ના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને ખેલ મહોત્સવને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. કાળી મહુડી પ્રાથમિક શાળાની બાળાઓએ પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કર્યા હતા. ઉપપ્રમુખ ડૉ. અનિલભાઈ બારીયાએ સ્વાગત કર્યુ હતુ. મેનેજિંગ ટ્રસ્ટી વી.એમ.પારગીએ ખેલ મહોત્સવની પ્રસ્તાવના અને ઉદ્દેશયો રજૂ કર્યા હતા. ઉપસ્થિત મહેમાનોએ પ્રાસંગિક ઉદબોધનમાં શુભેચ્છાઓ પાઠવી હતી. આભાર દર્શન દિનેશભાઇ બારીયાએ કર્યુ હતુ. ઉદ્દઘાટન કાર્યક્રમનું સંચાલન પ્રા. હરિપ્રસાદ કામોલે કર્યુ હતુ.
ખેલ મહોત્સવમાં દાહોદ, પંચમહાલ અને મહીસાગર જિલ્લાની 109 શાળાઓએ ભાગ લીધો હતો. જુદી જુદી સાત રમતો માટે સ્પર્ધા યોજાઇ હતી. કુલ 1600 જેટલા રમતવીરોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં એથ્લેટીક્સમાં 450, ખો ખો માં 435, કબડ્ડીમાં 500, વોલીબોલ 120 અને શૂટિંગ બોલમાં 130 ખેલાડીઓએ ભાગ લીધો હતો. દરેક સ્પર્ધકને ટી શર્ટ આપવામાં આવ્યા હતા. વિજેતા ટીમોને, સ્પર્ધકોને મહાનુભાવોના વરદ હસ્તે પ્રમાણપત્રો અને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા.
ખેલ મહોત્સવના સુચારુ આયોજન માટે કન્વીનર રાજેશભાઈ વસૈયા દ્વારા રમત ગમત ક્ષેત્રના નિષ્ણાંત ગ્રાઉન્ડ મેનેજરો અને 60 જેટલા નિર્ણાયકોની સેવા લેવામાં આવી હતી. ખેલ મહોત્સવને સફળ બનાવવા માટે રાજેશભાઈ બીલવાળ, શૈલેષભાઇ ડામોર, ઉપ પ્રમુખ નયનભાઈ ખપેડ, અતુલભાઈ બારીયા, રાજેશભાઈ ભાભોર, મતિ રોશનીબેન બીલવાળ, દિપકભાઈ ભુરીયા અને દિનેશભાઇ બારીયા વગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી.










