
28 ડિસેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
ગુજરાત સરકાર દ્વારા પ્રેરિત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને યુવા વિકાસ કચેરી પાલનપુરના માર્ગદર્શન હેઠળ સર ભવાનીસિંહ વિદ્યાલય દાંતા ખાતે દાંતા તાલુકાનો કલા-મહાકુંભ યોજાઈ ગયો. જેમાં દાંતા તાલુકાની પ્રાથમિક શાળાઓ તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો. કુલ 15 જેટલી શાળાઓએ ભાગ લીધો હતો .આ કાર્યક્રમમાં ચાર જૂથો પાડવામાં આવ્યા હતા. 6 થી 14 વર્ષ ,15 થી 20 વર્ષ, 21 થી 59 વર્ષ, અને 59 વર્ષથી વધુના એમ કુલ ચાર વર્ગમાં આ કાર્યક્રમને વહેંચવામાં આવ્યો હતો. બાળકોએ પોતાની અંદર રહેલી પ્રતિભાને ખુબ જ સુંદર રીતે પ્રસ્તુત કરી હતી અને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આજના કાર્યક્રમમાં મુખ્ય નિર્ણાયક તરીકે રાજ્યકક્ષાનો શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનાર બી ડી આરાસુરી કન્યા વિદ્યાલય, અંબાજીના શિક્ષકશ્રી નિલેશભાઈ બુંબડીયા અને બનાસકાંઠા જિલ્લામાં જેમની શ્રેષ્ઠ મંચ સંચાલક તરીકે ગણના થાય છે એવા ડી ડી ચોકસી વિદ્યાલય, નવાવાસના કિરણબેન સુથાર એમ બંને મહાનુભાવોએ ન્યાયિક ફરજ બજાવી હતી. કાર્યક્રમ દરમિયાન તમામ બાળકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે સર ભવાનીસિંહ વિદ્યાલયના તમામ સ્ટાફમિત્રોએ ટીમવર્ક તરીકે ફરજ બજાવી હતી. છેલ્લે શાળાના ઈન્ચાર્જ આચાર્યશ્રી વી કે પરમારે કાર્યક્રમની સફળતા જોઈ પોતાની આગવી શૈલીમાં સ્ટાફ પરિવારના ગુણગાન ગાયા હતા. અને તાલુકા સાંસ્કૃતિક કન્વીનરશ્રી શૈલેષભાઈ ચૌધરીનો આભાર માન્યો હતો.