
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ટી.બી.ના દર્દીઓને દત્તક લઈ તેમની સારવાર દરમિયાન તેમને પૌષ્ટિક અને પૂરક આહાર પૂરો પાડી શકાય તે માટે, જિલ્લા વહીવટી તંત્રે ખૂબ જ સંવેદના સાથે આવા દર્દીઓને દત્તક લેવાની ગત દિવસો દરમિયાન અપીલ કરી હતી.
માનવતાના આ ઉમદા કાર્યમાં સ્વયં જિલ્લા કલેકટર શ્રી મહેશ પટેલે પહેલ કરી, કેટલાક દર્દીઓને દત્તક લીધા હતા. જેમને પગલે જિલ્લા અધિકારીઓ, પદાધિકારીઓએ પણ આ પુણ્ય કાર્યમાં પોતાનું યોગદાન આપ્યું હતું.
આ પરંપરાને આગળ ધપાવતા ડાંગ જિલ્લા વહીવટી તંત્રને, પ્રથમ બાળમિત્રના રૂપે એક ધોરણ-૪માં અભ્યાસ કરતો આહવાની ગીતાંજલી વિદ્યાલયનો બાળક મળવા પામ્યો છે. જેણે ‘નિક્ષય બાળ મિત્ર’ બની, બે દર્દીઓને દત્તક લઈ, કીટ પણ અર્પણ કરી હતી.
આહવા તાલુકાના ગલકુંડ અને વાંકી ગામે સારવાર લેતા ૨ ટી.બી.ના દર્દીઓને દતક લેનાર આઠ વર્ષિય દેવમ નવનાથ શેલારની, નિક્ષય મિત્ર તરીકેની નોંધણી કરતા જિલ્લા ક્ષય કેન્દ્રના તબીબી અધિકારીશ્રી ડો.ગરવિના ગામીતે આ બાળકના પિતાને ‘નિક્ષય બાળ મિત્ર’ બની, કરવાના થતા સેવાકાર્ય બાબતની સંપૂર્ણ માહિતી અને માર્ગદર્શન આપી, દર માસે (કુલ ૬ માસ સુધી) ટી.બી.ના દર્દીને, પોષણક્ષમ આહારની કિટ પુરી પાડવા બાબતે વિસ્તૃત સમજ આપી આ બાળમિત્રનું રજીસ્ટ્રેશન કર્યું હતું
જિલ્લા ક્ષય અધિકારીશ્રી ડૉ. ભાર્ગવ દવે એ, ડાંગ જિલ્લામાં આવા બાળમિત્રો પણ નિક્ષય મિત્ર બની, ટી.બી.ના દર્દીઓને દતક લઇ સેવાકાર્ય કરી શકે છે તેવી અપીલ સાથે, ‘દેવમ’ અને તેના પરિવારની ભાવનાને બિરદાવી હતી.