
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગનાં ગરીબ આદિવાસી બાળકોનાં શિક્ષણ પ્રત્યે ઉદાસીનતા સાંખી ન લેવાનાં નિર્દેશ આપ્યા…
ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ નિર્મળાબેન ગાઈને વઘઇ તાલુકાની બરડા (વઘઇ) પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી.ત્યારે કેટલીક ગંભીર બાબતો સામે આવી હતી. જેને લઈને ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી હતી. ત્યારે સમગ્ર મામલાને તાલુકા પ્રાથમિક શિક્ષણઅધિકારીને તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.ડાંગ જિલ્લા પંચાયતનાં પ્રમુખ નિર્મળાબેન ગાઈન તા.08/12/2023નાં રોજ વઘઇ તાલુકાની બરડા(વઘઈ) પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી.જેમાં એક શિક્ષક નિવૃત થતા હાલમાં એક જ શિક્ષક સેવા બજાવી રહ્યા છે, જેની અસર શિક્ષણકાર્ય પર થઈ રહી હોવાની બાબત સામે આવી હતી. તેમજ શિક્ષકની જગ્યા ખાલી હોય શાળા તરફથી કે ટી.પી.ઓ. તરફથી જાણ કરવામાં આવેલ છે કે કેમ તે પણ પ્રશ્ન બની ગયો છે.ટી.પી.ઓ. દ્વારા આ શાળાની કેટલી વખત મુલાકાત લેવામાં આવેલ છે.અને એક મહિના જેટલો સમય થયો હોવા છતાય અહિં કયા કારણસર શિક્ષક મુકવામાં આવેલ નથી ?
આ શાળાના વિદ્યાર્થીઓ રસ્તામાં પગપાળા આવી રહ્યા હતા ત્યારે પ્રમુખ દ્વારા તેઓને પૂછતા તેઓ વઘઇ ખાતે આયોજીત વિજ્ઞાન મેળામાં પગપાળા ગયા અને આવ્યા હોવાનું જાણવા મળેલ છે.તો તે કોની સૂચનાથી ગયા હતા ?અને નિર્દોષ બાળકો માટે વાહનની સુવિધા કેમ ન કરવામાં આવી.બરડા (વઘઈ) પ્રાથમિક શાળાની મુલાકાત સમયે આ પ્રકારની કેટલીક ગંભીર ભૂલો સામે આવી હતી.જેને લઇને ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી ત્રણ દિવસમાં સમગ્ર મામલાને લઈને સ્પષ્ટતા કરવામાં આવે તેમ જણાવ્યું હતુ.જે બાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા વઘઈ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને આ અંગે જાણ કરવામાં આવી હતી.અને યોગ્ય તપાસ કરીને અહેવાલ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને સોંપવામાં આવે તેવી નોટિસ આપવામાં આવી હતી.ડાંગ જિલ્લા પંચાયતનાં પ્રમુખ નિર્મળાબેન ગાઈન દ્વારા શાળાની સરપ્રાઈઝ મુલાકાત લઈ આદિવાસી વિદ્યાર્થીઓ માટે સંવેદના દાખવતા તેઓની કામગીરી સૌ કોઈએ બિરદાવી હતી…









