
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ- ડાંગ
ડાંગ જિલ્લાના બેરોજગાર યુવાનો માટે રોજગારલક્ષી તાલીમ મળી રહે તે માટે, સુરત રેંજ આઇ.જી. શ્રી વી. ચંદ્રશેખર, તથા ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી યશપાલ જગણીયાના માર્ગદર્શન હેઠળ, જિલ્લાના ૧૫ વિદ્યાર્થીઓ માટે સરકારના આદિજાતી વિકાસ વિભાગના અનુદાનમાંથી રક્ષા શક્તિ યુનિવર્સિટી, ગુજરાત રાજ્યના કન્સલટન્ટ શ્રી સિદ્ધાર્થ ખત્રી (નિવૃત્ત IPS અધિકારી)ના માર્ગદર્શન હેઠળ, તાલીમનુ આયોજન કરવામા આવ્યુ છે.
ડાંગ જિલ્લાના ૧૫ યુવાનો પોતાની તાલીમ સફળતાપૂર્વક પાસ કરી, સ્વરોજગાર મેળવે તે માટે જિલ્લા પોલીલ વડા શ્રી યશપાલ જગાણીયા, તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એસ.જી.પાટીલે શુભેચ્છાઓ પાઠવી હતી. આ સાથે જ આગામી વર્ષોમા જિલ્લાના ૫૦ યુવાનો માટે રક્ષા શક્તિ યુનિવર્સિટીમા બેઠકો મળે તેવા પ્રયાસો હાથ ધરાશે, તેવી ખાતરી શ્રી સિદ્ધાર્થ ખત્રીએ આપી હતી.
ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લામા બેરોજગાર યુવાનો માટે સ્વરોજગારની તકો અન્ય જિલ્લાની સરખામણીમા ઘણી સીમિત છે. સાથે જ ડાંગ જિલ્લો પ્રાકૃતિક જિલ્લો હોવાથી, અહીં કોઈ પણ ઔદ્યોગિક એકમો સ્થાપી શકાતા નથી. આ જિલ્લાના લોકો માત્ર ખેતી અને પશુપાલન તેમજ પ્રવાસન ક્ષેત્ર ઉપર જ નિર્ભર છે. ત્યારે યુવાનો માટે રોજગારલક્ષી તાલીમનુ આયોજન કરવામા આવ્યુ છે, જે ખુબ જ સરાહનીય છે.









