
રાષ્ટ્રીય જિમનાસ્ટીક સ્પર્ધામાં અંબાજી નો વિદ્યાર્થી ચોથા નંબરે આવ્યો
અંબાજીથી 1,000 કરતા વધુ બાળકો આબુરોડ, આબુ અને માવલ ખાતે અભ્યાસ માટે જાય છે. માવલ રાજસ્થાન ખાતે ધ ઉમેદ ઇન્ટરનેશનલ સ્કૂલ આવેલી છે. જેમાં અંબાજીના અને બહારના રાજ્યના ઘણા બાળકો અભ્યાસ કરી રહ્યા છે. અંબાજીનો તનિષ જોષી આ શાળામાં છેલ્લાં 6 વર્ષથી અભ્યાસ કરે છે. આ શાળામાં અભ્યાસની સાથે સાથે સ્પોર્ટ એક્ટિવિટી મોટા પ્રમાણમાં કરાવવામાં આવે છે.ધ ઉમેદ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થી તનીશ જોષીએ રાષ્ટ્રીય સ્તરીય જીમ્નાસ્ટિક કોમ્પિટિશનમાં દિલ્હી ખાતે ભાગ લીધો હતો. જેમાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું હતું. સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા દિલ્હીમાં યોજાયેલી આ કોમ્પિટિશનમાં ધ ઉમ્મેદ ઇન્ટરનેશનલ સ્કૂલના 3 છોકરા અને 1 છોકરીએ ભાગ લીધો હતો. આ શાળાના વિદ્યાર્થી તનીશ જોષીએ સુંદર પર્ફોર્મન્સ આપ્યું હતું અને તેની ટીમ ચેમ્પિયનશિપમાં ઓલ ઇન્ડિયામાં ચોથો નંબર પ્રાપ્ત કરેલો છે. તનીશ જોષીનો આખા ઇન્ડિયામાં ચોથો નંબર આવતા તેના કુટુંબમાં અને ગામમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. શાળા તરફથી પણ તેને શુભકામના પાઠવવામાં આવી હતી. ગત વર્ષે પણ તનીશ જોષીએ રાષ્ટ્રીય સ્તરે નામ રોશન કરેલ છે.







