
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ -ડાંગ
ભારતને વિકસિત અને આત્મનિર્ભર બનાવવાની ગ્રામજનોએ સામુહિક પ્રતિજ્ઞા લીધી
નવસારી જિલ્લાના ગ્રામજનોને કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રીની અનેકવિધ ફ્લેગશીપ યોજનાકીય લાભોની માહિતી ઘરઆંગણે પહોંચાડીને વંચિત લાભાર્થીઓને આવરી લઈ સો ટકા લક્ષ્યાંક હાંસલ કરવાના નિર્ધાર સાથે વિકસિત ભારત સંકલ્પ – રથયાત્રા ગામેગામ ભ્રમણ ફરી રહી છે.
આજે નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના ધામધુમા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચતા ખેરગામ તાલુકાના પ્રમુખશ્રી રાજેશભાઇ પટેલ તથા મહિલાઓ-ગ્રામજનોએ કુમકુમ તિલક કરીને રથનું સ્વાગત કર્યુ હતુ.
આ પ્રસંગે ખેરગામ તાલુકા વિકાસ અધિકારીશ્રી એમ.પી.વિરાણી એ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું કે , છેવાડાના માનવીના જીવનને સરકારની યોજનાઓથી લાભાન્વિત કરી ઉજાગર કરવાની યાત્રા એટલે વિકસિત ભારત સંકલ્પ યાત્રા.સંકલ્પ યાત્રા થકી દેશના દરેક નાગરિકોનો એક સમાન સર્વાગી વિકાસ થાય તે માટેનું સરકારે આયોજન કર્યું છે. ગરીબો માટેની યોજનાઓ સાચા અર્થમાં લોકોને મળી રહે તે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો શુભાશય છે.
આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોએ ગુજરાતની ગૌરવવંતી વિકાસગાથા તથા સર્વાંગી વિકાસ માટેના ભાવિ આયોજન અને યોજનાઓ અંગે આધુનિક રથના માધ્યમથી શોર્ટ ફિલ્મ નિહાળી હતી. ફિલ્મ નિહાળ્યા બાદ સૌ ગ્રામજનોએ ભારતને વિકસિત અને આત્મનિર્ભર બનાવવાની સામુહિક પ્રતિજ્ઞા કરી હતી. આ તકે આરોગ્ય વિભાગ, આઇ.સી.ડી.એસ. ખેતીવાડી વિભાગ દ્વારા જરૂરી માર્ગદર્શન અને સેવાઓ પુરી પાડવામા આવી હતી. ગામમાં નિ:શુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનો પણ ગ્રામજનોએ લાભ લીધો હતો.
આ સંકલ્પ યાત્રામાં ખેરગામ મામલતદારશ્રી દલપતભાઈ, ખેરગામ મહામંત્રીશ્રી લિતેશભાઈ ગાંવીત, સરપંચશ્રી રતિલાલ પટેલ, તાલુકાના લાઇઝન અધિકારીશ્રીઓ, ગામના આગેવાનો, આંગણવાડી કાર્યકર બહેનો, આરોગ્ય વિભાગની ટીમ સહિત ગામજનો મોટી સંખ્યામા હાજર રહ્યા હતા.









