ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ ખાતે ભારત તિબેટ સહયોગ મંચ – રાષ્ટ્રીય સંગઠનની કાર્યકારિણી બેઠકમાં ગુજરાત પ્રાંતના નવ ડેલિગેટે હાજરી આપી


8 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
ચીનના નાપાક મનસૂબાઓ વિરુદ્ધ વ્યાપક જનજાગરણ અભિયાનને વેગવંતુ બનાવવું પડશે. – ઈન્દ્રેશ કુમારે જણાવ્યું હતું.ભારત તિબેટ સહયોગ મંચની બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક તારીખ 4,5 – ફેબ્રુઆરી 2023 ના રોજ ગાઝિયાબાદ( યુપી ) ખાતે કૈલાશ માનસરોવર ભવનમાં યોજાઈ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ પ્રચારક અને ભારત તિબેટ સહયોગ મંચના માર્ગદર્શક ડૉ.ઇન્દ્રેશ કુમારજી તથા મહેમાનશ્રીઓએ દીપ પ્રાગટ્ય કરી બેઠકનો મંગલ પ્રારંભ કર્યો. આ બે દિવસીય બેઠકમાં જુદાં જુદાં પાંચ સત્ર યોજાયાં તથા તિબેટની મુક્તિની લગતાં સૂત્રોચ્ચાર સાથે મહારેલીનું આયોજન થયું. ભારતનાં વિવિધ રાજ્યોમાંથી ૩૦૦ થી વધારે પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા. કૈલાસ માનસરોવરને અને તિબેટને ચીનના સકંજામાંથી મુક્ત કરાવવા વિષે માનનીય ઇન્દ્રેશકુમારે ભારપૂર્વક જણાવ્યું. તેમણે ઉમેર્યું કે ચીન એવો દેશ છે જેને માનવતા સાથે કોઈ લેવાદેવા નથી. તે દુનિયાના અમુક દેશોને વિવિધ રીતે તણાવ આપવાનું કામ કરી રહ્યું છે. તેની પાસે કોઈ સારી અપેક્ષા શક્ય જ નથી. ભારત તિબેટ સહયોગ મંચના કાર્યકરોએ દરેક સ્તર પર સતર્ક રહીને ચીનના નાપાક મનસૂબાઓ વિરુદ્ધ વ્યાપક જનજાગરણ અભિયાનને વેગવંતુ બનાવવું પડશે. આ માટે ભારત તિબેટ સહયોગ મંચની સ્થાપનાનું 25મું વર્ષ શરૂ થતું હોઈ આગામી રજત જયંતી વર્ષ દરમિયાન કૈલાશ માનસરોવરનું પવિત્ર જળ દેશના તમામ જિલ્લાઓમાં પહોંચાડવા જેવા અનેકવિધ કાર્યક્રમો નક્કી કરવા સૂચન કર્યું. રજત જ્યંતીનો ભવ્ય પ્રારંભ મંચના સ્થાપના દિને 5 મે 2023 ના રોજ ધર્મશાળા ખાતે મહાસંમેલનથી થશે. જેમાં મંચના તમામ કાર્યકર્તાઓ સહિત રાષ્ટ્રપ્રેમી નાગરિકો એમ સૌ ઉપસ્થિત રહી શકશે. આ બેઠકમાં મંચના કાર્યકારી અધ્યક્ષશ્રી હરજીતસિંહ ગ્રેવાલજી, રાષ્ટ્રીય મહામંત્રી શ્રી પંકજ ગોયલજી સહિત મંચના તથા નિર્વાસિત તિબેટીયન સરકારના પદાધિકારીશ્રીઓ હાજર રહ્યા. અન્ય અનેક મહાનુભાવોએ શુભેચ્છા મુલાકાત લીધી. જે ખૂબ પ્રેરક રહી. આ બેઠકમાં ગુજરાત પ્રાંતમાંથી રાષ્ટ્રીય મંત્રીશ્રી રામકિશોર પસારી, રાષ્ટ્રીય કારોબારી સદસ્યશ્રી ગીતેશભાઈ પટેલ, પ્રાંત અધ્યક્ષશ્રી વિપિનભાઈ પંડ્યા, મહામંત્રી શ્રી ગજેન્દ્રભાઈ જોશી, રાષ્ટ્રીય મહિલા કારોબારી સભ્ય નમામીબેન પંડ્યા, ગુજરાત પ્રાંત મહિલા મહામંત્રી કુંજલબેન ત્રિવેદી, ગુજરાત પ્રાંત સહ પ્રચાર પ્રમુખ શ્રી શૈલેષભાઈ પ્રજાપતિ, ગુજરાત પ્રાંત પ્રચાર પ્રમુખ શ્રી ભરતભાઈ ચૌધરી અને યુવા અધ્યક્ષ શ્રી તન્મય સિંહા વગેરેએ ઉપસ્થિત રહી સક્રિય સહભાગિતા કરી. આ અંગે ની માહિતી ગજેન્દ્રકુમાર જોશી મહામંત્રી, ગુજરાત પ્રાંત ભારત તિબ્બત સહયોગ મંચે આપી હતી.







