નારણ ગોહિલ લાખણી

લાખણી અને દિયોદર પંથકમાં એરંડાના પાક બાદ કાપણીના આરે આવીને ઉભેલી બાજરીના ડૂંડાઓમાં જીવાતનો ઉપદ્રવ વધતાં ખેડૂતો માથે આભ ફાટ્યું હોય એવી પરિસ્થિતિ ઉભી થઈ છે. આ વર્ષે સતત કુદરતી આફતો આવતાં ખેડૂત વર્ગ ચિંતા માં મુકાયો છે. જેમાં લાખણી અને દિયોદર પંથકમાં ખાસ કરીને ખેડુતો ઉનાળામાં બાજરીનું વાવેતર વધારે કરે છે. ત્યારે બાજરીના પાકમાં ડુડાઓ ઉપર કાતરા નામની જીવાતનો ઉપદ્રવ વધતો જોવા મળ્યો હતો. જેમાં લાખણી અને દિયોદર તાલુકાનાં વાસણા (વાતમ), લવાણા લાખણી,પાલડી અને માણકી જેવા અનેક ગામોના ખેડુતોનો પાક કાપણી ના આરે આવીને ઉભો છે ત્યારે ઉભેલી બાજરીના ડુડાઓમાં જીવાતનો ઉપદ્રવ વધી જતાં આખરે ખેડુતો દવાનો છંટકાવ કરવા પણ મજબુર બન્યા હતાં. ત્યારે પાલડી ગામના યુવા ખેડૂત મોહનભાઈ મોદી સાથે સાથે ટેલિફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે આ વખતે અમે સતત કુદરત સામે લાચાર બની ગયાં છીએ. પહેલાં વાવાઝોડું આવ્યું જેના બાદ કમોસમી વરસાદ અને રવિ સિઝનમાં રાયડા ના પાકમાં મેલો આવતાં ભારે નુકસાન થયું હતું. જેના બાદ એરંડાના પાકમાં કાતરા જીવાત આવતાં એરંડાના ઉત્પાદનમાં પણ ઘટાડો થયો હતો અને નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો. જેના બાદ હવે બાજરીના પાકમાં કાતરા જીવાત આવતાં પચાસ ટકા જેટલું નુકસાન થવા પામ્યું છે. વધુમાં જણાવ્યુ હતુ કે અમારા વિસ્તારમાં ઘણી જગ્યાએ ખેડૂતોના બાજરીના પાકમાં કાતરા આવી ગયા છે.દવાનો છંટકાવ કરવા છતાં કાતરા (ઈયળ) જીવાતનો ઉપદ્રવ નષ્ટ થતો નથી અને બાજરીના આવતા દાણા ખાઈ જવાથી ભારે નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે. કુદરતના કોપ સામે પંથકના ખેડૂતો લાચાર બની ગયા છે.ખેતીવાડી વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે ગંભીરતા પૂર્વક નોંધ લઈ બચી ગયેલા પાકને કઈક ઉપાય કરે એવી માંગ ઉઠવા પામી છે.







