BANASKANTHAPALANPUR

આદર્શ શૈક્ષણિક સંકુલ, વિસનગર ખાતે આદર્શ વિદ્યાલય, અમૃત મહોત્સવ-2023 અંતર્ગત વિચાર- વિમર્શ સભા યોજાઈ

10 જુલાઈ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર સંચાલિત આદર્શ શૈક્ષણિક સંકુલમાં કાર્યરત આદર્શ વિદ્યાલયને 75 વર્ષ પૂર્ણ થયેલ હોઈ તેનો ચાલુ વર્ષે ભવ્યાતિભવ્ય અમૃત મહોત્સવ ઉજાવવાનો હોઈ તા.9 જુલાઈ 2023 ના રોજ આદર્શ અમૃત મહોત્સવના અધ્યક્ષશ્રી વિપુલભાઈ ચૌધરી (પૂર્વ ગૃહમંત્રી,ગુ. રા. તથા પૂર્વ ચેરમેનશ્રી, દૂધ સાગર ડેરી, મહેસાણા) ના અઘ્યક્ષ પદે સ્વ. માનસિંહભાઈ પૃ. પટેલ પ્રાર્થના ભવનમાં વિચાર- વિમર્શ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેળવણી મંડળ હોદ્દેદારશ્રીઓ તથા ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા તથા અરવલ્લી વગેરે જિલ્લાના દાતાશ્રીઓ અને સમાજના અગ્રણી ભાઈઓ અને બહેનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમની શુભ શરૂઆત વિદ્યાની દેવી સરસ્વતી વંદનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ કેળવણી મંડળના મંત્રીશ્રી જે.ડી. ચૌધરીએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી પરિચય આપ્યો હતો. કેળવણી મંડળના પ્રમુખશ્રી કે.કે. ચૌધરી સાહેબે માતૃસંસ્થા એવી આદર્શ વિદ્યાલયની વિકાસ ગાથા સમાજના અગ્રણીઓ સમક્ષ રજૂ કરી અમૃત મહોત્સવની રૂપરેખા રજૂ કરી હતી. ત્યારબાદ નવીન યુગ, નવી શિક્ષણ નીતિ અને નવીન આયામો થકી સમાજનો સર્વાંગી વિકાસ સાધવા “અમૃત મહોત્સવ” અંતર્ગત નવીન નિર્માણ થનાર આદર્શ ભવનોનું એન્જીનીયર શ્રી નિકુંજભાઈ પટેલ (ચૌધરી) તથા આર્કિટેક શ્રી ઉમંગભાઈ ગોસ્વામીએ નવા ભવનોનો પ્લાન પ્રોજેક્ટર દ્વારા રિપ્રેજન્ટેશન બારીકાઈથી કરાવી ઉપસ્થિત સૌ મહાનુભાવો, દાતાશ્રીઓ,અગ્રણીઓ વગેરેને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ વિચાર- વિમર્શ સભામાં ઉપસ્થિત અને સંસ્થાના નવીન ભવનોના નિર્માણ માટે તા-02જુલાઈ ના રોજ અમૃત મહોત્સવના શુભારંભના દિન સુધી દસ કરોડ જેટલી માતબર રકમનું દાન દાતાશ્રીઓ આપેલ તથા આજ રોજ તા-9 જુલાઈ 2023 ના રોજ આશરે બે કરોડ રકમનું દાન દાતાશ્રીઓએ આપેલ. આમ આજ દિન સુધી આશરે બાર કરોડ માતબર રકમનું દાન આપેલ દાતાશ્રીઓનું સન્માન અમૃત મહોત્સવના અધ્યક્ષશ્રી વિપુલભાઈ ચૌધરી, કેળવણી મંડળના હોદ્દેદારશ્રીઓ તથા સમાજના અગ્રણીઓના હસ્તે કરવામાં આવ્યું હતું. આ સાથે આ વિચાર-વિમર્શ સભામાં ત્રણ ઠરાવો પણ કરવામાં આવ્યા હતા. જેમાં ડો. સુરેશભાઈ વી. ચૌધરીએ સંસ્થાની વિકાસ યાત્રાના દાન માટે આદર્શ આચાર સંહિતાનો ઠરાવ રજૂ કર્યો હતો. શ્રી બેચરભાઈ ચૌધરી (ઇન્દ્રપુરા)એ સહકારી ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપેલ સ્વ.રામજીભાઈ ચૌધરીની પ્રતિમાનું દૂધ સાગર ડેરી, મહેસાણા દ્વારા સંચાલિત સાગર દાણ ફેક્ટરી,જગુદણ ખાતે અનાવરણ કરવા અંગેનો ઠરાવ રજૂ કરેલ. ત્યારબાદ શ્રી પ્રતાપભાઈ ચૌધરીએ પાણીની અછતવાળા ઉત્તર ગુજરાતમાં દૂધની ગંગા વહેવડાવનાર અને ઉત્તર ગુજરાતના રત્ન સમાન સ્વ. માનસિંહભાઈ પૃ. પટેલ, સ્વ.ગલબાભાઈ પટેલ તથા સ્વ. મોતીભાઈ ચૌધરીને મરણોત્તર અનુક્રમે પદ્મવિભૂષણ, પદ્મભૂષણ, પદ્મશ્રીથી ભારત સરકાર દ્વારા સન્માનિત કરવા અંગેનો ઠરાવ રજૂ કરેલ. આ ત્રણેય ઠરાવોને સભામાં ઉપસ્થિત સૌએ હાથ ઊંચા કરી સમર્થન આપેલ.ત્યારબાદ સમાજના મહાનુભવો અને દાતાશ્રીઓ એવા એન.ડી.ચૌધરી, નટુભાઈ, પ્રકાશભાઈ(બાપુપુરા), સાગરભાઈ, રાજુભાઈ, નિખિલભાઈ(ગાંધીનગર), જેસંગભાઈ (પામોલ), જેસંગભાઈ (ભિલોડા), મણીભાઈ(દગાવાડીયા), ધીરૂભાઇ, નરસિંહભાઇ, બળવંતભાઈ (પાટણ),રેખાબેન તથા એમ.કે.ચૌધરી વગેરેએ દેશની આઝાદી સાથે જ સમાજના દૂરંદેશી વડીલોએ “આદર્શ” ની સ્થાપના કરીને શિક્ષણની જ્યોત પ્રગટાવી હતી તે શિક્ષણની જ્યોતને વધુ પ્રકાશમય બનાવવા માટે “અમૃત મહોત્સવ” અંતર્ગત થનાર નવીન ભવનો માટે ઉદાર હાથે દાન આપી સંસ્થાનું ઋણ ચૂકવવા પ્રેરણાદાયી પ્રવચનો આપ્યા હતા. આદર્શ અમૃત મહોત્સવ સમિતિના અધ્યક્ષશ્રી વિપુલભાઈ ચૌધરી (પૂર્વ ગૃહમંત્રી, ગુ.રા. તથા પૂર્વ ચેરમેનશ્રી દૂધ સાગર ડેરી,મહેસાણા) એ ભૂતકાળમાં સમાજ જયારે કૃષિ અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલ હતો ત્યારે આપણા સમાજના દૂરંદેશી વડીલોએ “આદર્શ વિદ્યાલય”ની સ્થાપના કરીને સમાજને શિક્ષિત બનાવવાનો ભગીરથ પ્રયાસ કરેલ. જેના અનુસંધાને સમાજના અનેક ભાઇઓ અને બહેનો શિક્ષણ મેળવી પોતાના જીવનમાં ઉચ્ચત્તમ પ્રગતિ સાધી શક્યા છે. હવે આજના યુગ પ્રમાણે તથા બદલાયેલ શિક્ષણ તરાહના અનુસંધાને સમાજના ભાઈઓ અને બહેનોને ઉચ્ચ, ગુણવત્તા યુકત અને સુવિદ્યા સભર શિક્ષણ મળી રહે તે માટે અમૃત મહોત્સવ અંતર્ગત થનાર નવીન ભવનો માટે સમાજના શુભેચ્છકોને આર્થિક, બૌદ્ધિક અને વૈચારિક યોગદાન આપવા સમાજના અગ્રણીઓને પ્રેરણાદાયી આહવાન કરેલ જેને વિચાર- વિમર્શ સભામાં ઉપસ્થિત સૌ મહાનુભાવો, દાતાશ્રીઓ, અગ્રણીઓએ તાળીઓના ગડગડાટથી સ્વીકારેલ અને આદર્શના ભાવિ નિર્માણ માટે હાંકલ કરેલ. અંતમાં સભાની આભારવિધિ શિક્ષકશ્રી લવજીભાઈ જી. ચૌધરીએ કરેલ અને સ્વરૂચી ભોજન લઈ સૌ છુટા પડેલ.

[wptube id="1252022"]
Back to top button