બનાસકાંઠા એલસીબી પોલીસે દારૂ સહિત એક કરોડથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો


બનાસકાંઠા એલસીબી પોલીસે દારૂ સહિત એક કરોડથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો
રાજસ્થાનને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લામાં દારૂની રોજીંદી હેરાફેરી વચ્ચે દારૂબંધીના ધજાગરા ઉડે છે.તેમાં પણ થર્ટી ફર્સ્ટ નજીક આવતા બુટલેગરો યેનકેન પ્રકારે દારૂનો જથ્થો એકત્ર કરવાના પેંતરા રચવા લાગ્યા છે પરંતુ જિલ્લા એલસીબી પોલીસે બુટલેગરો ઉપર તવાઈ આદરતાં છેલ્લા 12 દિવસમાં 27 બુટલેગરોની અટકાયત કરી એક કરોડ ઉપરાંતનો મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે.સરહદી બનાસકાંઠા જિલ્લો આંતર રાષ્ટ્રીય અને આંતર રાજ્ય સરહદ ધરાવે છે જેમાં ખાસ કરીને ઈશાન સરહદે રાજસ્થાન રાજ્ય છે. તેથી બુટલેગરો રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશતા ચેક પોસ્ટ અને ખુફિયા રસ્તેથી દારૂ ઘુસાડે છે. તેથી રાજસ્થાન અને અમીરગઢને જોડતા રસ્તા દારૂ માટે પ્રવેશદ્વાર કહેવાય છે. જ્યાંથી બનાસકાંઠા સહિત સમગ્ર રાજ્યમાં વાહનો મારફત વિદેશી દારૂ પહોંચાડવામાં આવે છે. જોકે, સ્થાનિક પોલીસને તો અવનવા કિમીયા અજમાવી બુટલેગરો ચકમો આપી દે છે પરંતુ જિલ્લા પોલીસ વડાની સૂચનાથી એલસીબીની ટીમ બુટલેગરોના પેતરાઓ નિષ્ફળ કરી રહી છે. બનાસકાંઠા એલસીબી ટીમે 1 ડિસેમ્બરથી 12 ડિસેમ્બર સુધી દારૂની હેરાફેરી કરતા 17 કવોલીટી કેસો કર્યા છે જેમાં 27 બુટલેગરોની અટકાયત કરવામાં આવી છે.આ કાર્યવાહીમાં દારૂની 11,467 બોટલ ( કિંમત રૂ.23, 8000,55) સહિત કુલ 1,21,0895 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસની તવાઈથી બુટલેગરો ફફડી ઉઠ્યા છે.









