થરાદ તાલુકાના ચારડા ગામના આશા વર્કર ગીતાબેનની દીકરાને ડોક્ટર બનાવવાની આશા ફળી

28 જુલાઈ
પત્રકાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા
બોક્સ.ગુજકેટમાં ગુજરાતમાં પ્રથમ આવેલ રવિન્દ્ર વડોદરા સરકારી મેડિકલ કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે*
*બોક્સ.ગૃહિણી, માતા, પત્ની અને આશા વર્કર તરીકેની ફરજનિષ્ઠાથી અન્યો માટે પ્રેરણાસ્રોત્ર બન્યા છે ગીતાબેન બોચીયા*
થરાદ તાલુકાના ચારડા ગામે આશા વર્કર તરીકે ફરજ બજાવતા ગીતાબેન બોચીયાએ પોતાની મહેનત અને સંઘર્ષથી પોતાના પુત્રને ડોકટર બનાવવાનો સંકલ્પ પૂર્ણ કરી જીવનમાં નાની મોટી મુશ્કેલીઓથી થાકી હારી જતી મહિલાઓને નવી પ્રેરણા પુરી પાડી છે. નારી ધારે તો પોતાના સપના અને સંકલ્પને દ્રઢ મનોબળથી પૂર્ણ કરી શકે એવું ઉદાહરણ પૂરું પાડી ગીતાબેન બોચીયા આજે ગામમાં અનેરું માન સન્માન મેળવી રહ્યા છે.
શ્રીમતી ગીતાબેન વર્ષ- ૨૦૦૭માં આશાવર્કર તરીકે માત્ર રૂ. ૫૦૦ ના વેતનથી જોડાયા હતા. તેમની આશા તરીકેની ફરજમાં તેઓ ખૂબ જ પાવરધા છે. અને ગામની મહિલાઓને પ્રસુતિ પહેલાની અને પ્રસુતિ પછીની તપાસ માટે સમજાવીને આરોગ્ય કેન્દ્રમાં લઈ આવે છે. પ્રસુતિ વેળાએ પોતે છેક સુધી સાથે રહીને સથવારો અને હિંમત આપતા રહે છે. રસીકરણ કામગીરી હોય, મમતા દિવસ હોય, આયુષ્યમાન કાર્ડ કઢાવવુ હોય, કુટુંબ સર્વે તથા માતા મરણ કે બાળ મરણની નોંધણીની કામગીરી કે પછી પોરાનાશક દવાઓનું વિતરણ કરવાનું હોય આવી આરોગ્યલક્ષી તમામ કામગીરી તેઓ ખૂબ જ નિષ્ઠાપૂર્વક બજાવે છે.
શ્રીમતી ગીતાબેન અને તેમના પતિશ્રી વનાભાઈ બોચીયાએ ખૂબ જ સંઘર્ષ કરીને તેમના પુત્ર રવિન્દ્રને ભણાવ્યો છે. આ માટે ગીતાબેને મોજશોખ અને કામ કરવાની શરમ છોડી આશાબેન તરીકેની ફરજ બજાવવાની સાથે ઘરકામ અને ચારે સંતાનને ભણાવવામાં અને ખેતીની સાથે પશુપાલનમાં પણ પૂરતું ધ્યાન આપ્યું છે. મોટા દીકરા રવિન્દ્રને સરકારી શાળામાં જ ભણાવ્યો છે. અને બારમા ધોરણમાં રવિન્દ્ર એ ટ્યુશન વગર ૯૧ ટકા મેળવ્યા છે. અને ગુજકેટમાં તો રવિન્દ્રએ ગુજરાતમાં પ્રથમ નંબર અને નીટમાં પણ શ્રેષ્ઠ મેરિટ હાંસલ કર્યુ છે. તેથી જ રવીન્દ્ર ને સરકારી મેડિકલ કોલેજ, વડોદરા ખાતે એડમિશન મળ્યું છે.
રવિન્દ્ર હાલ એમ.બી.બી.એસ.ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. શ્રીમતી ગીતાબેન બોચીયાની મોટી દીકરી હેતલ ન્યુ એસ.એસ.સી સુધી જ્યારે નાની દીકરી વિપુલા આઠમા ધોરણમાં અને નાનો દીકરો હાર્દિક છઠ્ઠા ધોરણમાં ભણે છે. તેમના પતિશ્રી વનાભાઈ પીટીસી થયેલ હોવા છતાં નોકરી ન કરતા ઘરની જવાબદારી ઉપાડી રહ્યા છે. તેમના પતિ ગીતાબેનને નોકરીએ જતા ત્યારે તેમની સાથે મુકવા જતા તો તે જોઈને પત્નીનો થેલો ઉંચકીને ફરે છે તેવી લોકો હાંસી પણ ઉડાવતા છતાં વનાભાઈ કોઈપણ જાતનું મન ઉપર ન લેતા અને બાળકોને ભણાવવામાં ખૂબ ધ્યાન આપતા જેને લીધે તેમનું પુત્રને ડોકટર બનવવાનું સ્વપ્ન પૂર્ણ થશે. શ્રીમતી ગીતાબેનના સસરા સતાભાઈ ગામના ડેલીગેટ હતા. તેઓ પણ ગીતાબેનને ફરજ બજાવવામાં સહાયરૂપ બને છે. આમ પરિવારની હિંમત, એકતા અને સંપને લીધે આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં આ પરિવાર આજે તેમના બાળકોને ઉચ્ચ અભ્યાસ કરવા માટે સક્ષમ બન્યો છે.
આમ શ્રીમતી ગીતાબેને ગૃહિણી, માતા, પત્ની તરીકેની ફરજની સાથે આશાબેન તરીકેની ફરજ એમ બંન્ને ફરજ સફળતાપૂર્વક બજાવી અન્યો માટે પ્રેરણાસ્રોત્ર બની રહ્યા છે.









