અમૃત મહોત્સવ અંતર્ગત આદર્શ શૈક્ષણિક સંકુલ, વિસનગર ખાતે કર્મચારીશ્રીનો વય નિવૃતિ સન્માન સમારોહ યોજાયો


29 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ,વિસનગર સંચાલિત આદર્શ શૈક્ષણિક સંકુલ, વિસનગરમાં કાર્યરત આદર્શ વિદ્યાલયના કર્મચારીશ્રી ગોવિંદભાઈ કે.ચૌધરી (સુપરવાઈઝર,ઉ.મા.વિ.) વય નિવૃતિને કારણે નિવૃત્ત થતા હોઈ તા-૨૮/૧૦/૨૦૨૩ ના રોજ નિવૃત્તિ સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ સમારોહમાં મહાનુભાવો તરીકે શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગરના પ્રમુખશ્રી કે.કે.ચૌધરી, ઉપપ્રમુખશ્રી નટુભાઈ એમ.ચૌધરી તથા નાનજીભાઈ આર.ચૌધરી, મંત્રીશ્રી ડૉ.વિઠ્ઠલભાઈ વી.ચૌધરી તથા શ્રી જે.ડી.ચૌધરી અને શિક્ષણ સમિતિના પ્રમુખશ્રી ડૉ.સુરેશભાઈ વી.ચૌધરી તથા મંત્રીશ્રી વી.જી.ચૌધરી, શ્રી ભરતભાઈ પટેલ (પ્રમુખશ્રી, ગુ.રા.ઉ.મા.શિક્ષક સંઘ,ગુજરાત), શ્રી દિનેશભાઈ ચૌધરી (પૂર્વ પ્રમુખશ્રી, ગુ.રા.મા.શિક્ષક સંઘ,ગુજરાત), શ્રી ડી.એમ.પટેલ (ડાયરેક્ટરશ્રી, ઉમા સંકુલ, ઘાઘરેટ તથા પૂર્વ આચાર્ય,જી.ડી.હાઈ.વિસનગર), શ્રી ધીરેનભાઈ ચૌધરી(પૂર્વ ચેરમેનશ્રી, ખેતી બેંક, ગુજરાત રાજ્ય), કેળવણી મંડળના અન્ય હોદ્દેદાર તથા સમાજના અગ્રણીઓ, સ્નેહીજનો, બંધુઓ, મિત્રો, સગા-સંબંધીઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમની શરુઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાના આચાર્યશ્રીએ મહેમાનશ્રીઓનું શાબ્દિક સ્વાગત કરી પરિચય આપ્યો હતો અને ગોવિંદભાઈએ શાળાની પ્રગતિ માટે અને વિદ્યાર્થીઓના ઉન્નત જીવન માટે નિષ્ઠાપૂર્વક કરેલ કામગીરીને બિરદાવી હતી. આ પ્રસંગે પધારેલ મહેમાનોનું કેળવણી મંડળના પ્રમુખશ્રી તથા હોદ્દેદારશ્રીઓ દ્રારા સાલથી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શિક્ષકશ્રી મહેશભાઈ કે.ચૌધરીએ સન્માન પત્રનું વાંચન કર્યું હતું અને નિવૃત્ત થયેલ કર્મચારીશ્રી ગોવિંદભાઈ કે. ચૌધરીને શ્રી અખિલ આંજણા કેળવણી મંડળના પ્રમુખશ્રી તથા હોદ્દેદારશ્રીઓ દ્વારા શ્રીફળ, સાલ, મોમેન્ટ અને સન્માન પત્ર અર્પણ કરી તથા આદર્શ વિદ્યાલયના સમગ્ર સ્ટાફ મિત્રો દ્વારા પણ શ્રીફળ, સાલ, મોમેન્ટ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.ત્યારબાદ શિક્ષિકા શ્રીમતી કોકિલાબેન કે.ચૌધરીએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં ભાવાત્મક શૈલીમાં ગોવિંદભાઈએ વિદ્યાર્થીઓના ઉન્નત વિકાસ માટે શિક્ષણ અને અન્ય સહઅભ્યાસિક પ્રવૃતિઓમાં કરેલ કામગીરીને બિરદાવી હતી. પધારેલ મહેમાનોએ પણ ગોવિંદભાઈ કે.ચૌધરીએ શાળાની સાથે સાથે શિક્ષણ જગતમાં જિલ્લા તથા રાજ્ય કક્ષાએ પ્રતિનિધિરૂપે કરેલ ઉત્કૃષ્ટ કામગીરીની પ્રસંશા કરી હતી.આ સાથે કેળવણી મંડળના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, તથા મંત્રીશ્રી વગેરેએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં નિવૃત્ત થયેલ ગોવિંદભાઈ કે. ચૌધરીએ આદર્શ વિદ્યાલયમાં આદર્શ શિક્ષક થકી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને જીવન ઘડતર માટે ઉત્તમ સંસ્કારયુક્ત શિક્ષણ આપી વિદ્યાર્થીઓના જીવનને સાર્થક કરવા કરેલ પ્રયાસોને બિરદાવી શેષ જીવન દીર્ઘાયુ, સુખમય અને સમાજ ઉપયોગી બની રહે એવા શુભાશિષ પાઠવ્યા હતા. વય નિવૃતિ થયેલ શ્રી ગોવિંદભાઈ કે.ચૌધરીએ આદર્શ વિદ્યાલય, વિસનગરમાં વિદ્યાર્થીઓમાં શિક્ષણ તથા સંસ્કાર કેળવવા શ્રી અખિલ આંજણા કેળવણી મંડળે અને આદર્શ શૈક્ષણિક સંકુલે જે તક પુરી પાડી તે બદલ કેળવણી મંડળના પ્રમુખશ્રી તથા અન્ય હોદ્દેદારશ્રીઓનો અને શાળાના આચાર્યશ્રી તથા સમગ્ર સ્ટાફ મિત્રોનો આભાર માની આદર્શ શૈક્ષણિક સંકુલના વિકાસ માટે ₹૭૫૦૦૦/-(અંકે રૂપિયા પંચોતેર હજાર પુરા) માતબર રકમનું દાન કર્યું હતું. દાન આપવા બદલ કેળવણી મંડળે અભિનંદન પાઠવ્યા હતા.આ પ્રસંગે પધારેલ સ્નેહીઓ, બંધુઓ, મિત્રો અને સગા-સંબંધીઓએ પણ ગોવિંદભાઈ ને સાલ વગેરેથી સન્માનિત કરી શુભાશિષ પાઠવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષકશ્રી લવજીભાઈ જી.ચૌધરીએ કર્યું હતું. અંતમાં સૌએ સાથે સ્વરૂચિ ભોજન લીધું હતું.









