95 જેટલા ગામના સિનીયર સિટીઝન અને દિવ્યાંગોને હાલાકી
વાંસદા તાલુકા સેવા સદનમાં તાલુકાની મોટાભાગની ઓફિસો આવેલી છે. અહીં ઘણાં સિનિયર સિટીઝન કે દિવ્યાંગ અરજદારો કામ અર્થે આવતા હોય છે. તેમને લિફ્ટના વાંકે હાલાકી ભોગવવી પડે છે. વાંસદા તાલુકાના 95 ગામોના અરજદારો તાલુકા સેવા સદનમાં આવતા હોય છે. આ સદનમાં મોટાભાગની સરકારી ઓફિસો આ આવેલી છે.
આ સેવા સદનની બિલ્ડીંગ બનાવતી વખતે અહીં સિનિયર સિટીઝન કે દિવ્યાંગ અરજદારો કામ અર્થે આવશે એવું એન્જિનિયરે ધ્યાન નહીં રાખતા સિનિયર સિટીઝન અને દિવ્યાંગ અરજદારો સહિત તેમના પરિવારજનોને મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે.
ગુરૂવારે વાંસદા તાલુકા સેવા સદનમાં બીજા માળ ઉપર આવેલા દસ્તાવેજ નોંધણીની ઓફિસમાં કોઇક પેપર ઉપર સહી કરવાની હોવાથી દિવ્યાંગ અરજદારને હાથ ઉપર ઉંચકીને બીજા માળે આવેલી ઓફિસમાં લઇ જવાની નોબત આવી હતી. આવા દૃશ્યો અનેકવાર નજરે પડતા હોય છે ત્યારે ચાર માળની સેવા સદનની બિલ્ડીંગ બનાવનાર એન્જિનિયર લિફ્ટની સુવિધા ઉભી કરવાનું કેમ ભૂલી ગયો ? એ ચર્ચાનો વિષય બન્યો છે. જેથી આ સેવા સદનમાં લિફ્ટની વ્યવસ્થા ઉભી કરી સિનિયર સિટીઝન અને દિવ્યાંગ અરજદારોને પડતી મુશ્કેલી દૂર કરે એવી માગ ઉઠી છે.