ગુજરાતના 250 સીએનજી પંપો જડબેસલાક બંધ રહેતા વાહન ચાલકોને મુશ્કેલીઓ પડી

સીએનજી પંપના સંચાલકોના કમિશનના મુદ્વે કોઇ નિવેડો નહીં આવતા આજે સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતના 250 સીએનજી પંપો જડબેસલાક બંધ રહેતા વાહન ચાલકોને મુશ્કેલીઓ પડી હતી. હડતાળના પગલે ગેસ કંપનીઓએ આજે ડીલરો સાથે બેઠક યોજી હતી. પરંતુ કોઇ નિકાલ નહીં આવતા આગામી 16મી ફેબુ્રઆરીથી કેવી રીતે અચોક્કસ મુદતની હડતાળ પર જવુ તે માટે રણનીતિ ઘડી કાઢવામાં આવશે.
સીએનજી પંપના વેચાણ પર જે કમિશન મળે છે. તે 2017માં વધારો કરાયા બાદ આજદિન સુધી વધારો કરાયો નથી. પેટ્રોલિયમ મંત્રાલયે પણ 1 ડિસેમ્બર 2021થી કમિશનમાં વધારો કરવાનો આદેશ આપ્યો છતા ગેસ કંપનીઓ દ્વારા કમિશનમાં વધારો કરાયો ના હોવાથી યુનાઇટેડ પેટ્રોલિયમ ડીર્લસ ઓફ ગુજરાત અને સીએનજી ફેન્ચાઇઝીઓ દ્વારા આજે એક દિવસની હડતાળનું એલાન આપ્યુ હતુ. આ એલાનના પગલે આજે સવારથી જ સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતના તમામ 250 સીએનજી પંપો બંધ રહ્યા હતા. જેના કારણે સૌથી વધુ મુશ્કેલીઓ રીક્ષાચાલકોને પડી હતી.
દરમ્યાન હડતાળના પગલે ગેસ કંપનીઓએ ડીલરો સાથે વાટાધાટો યોજી હતી. ડીલરોએ એક જ વાકય ઉચ્ચાર્યુ હતુ કે અમારુ કમિશન કયારે વધારશો ? તેના જવાબમાં ગેસ કંપનીઓ તરફથી મહિનો પણ થાય અને બે મહિના પણ થઇ શકે તેમ છે. તો પછી લેખિતમાં આપો. પરંતુ લેખિતમાં નહીં આપતા નિર્ણય વગર વાટાધાટો સંપન્ન થઇ હતી. ડીલર્સો આગામી દિવસોમાં કેવી રીતે અચોક્કસ મુદતની હડતાળ પર જવુ તે અંગે રણનીતિ ઘડી કાઢવામાં આવશે.










