માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૪ સપ્ટેમ્બર
વલસાડ જીલ્લામાં આવેલા રાષ્ટ્રીય વિજ્ઞાન સંગ્રહાલય પરિષદ સંચાલિત જીલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર ખાતે ઈસરો દ્વારા આદિત્ય L-1 સેટેલાઇટ લોન્ચિંગ પ્રસંગે એક વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુલાકાતીઓ તથા જિલ્લા વિજ્ઞાન કેન્દ્રના કર્મચારીઓ એ ઈસરો દ્વારા પ્રસારિત આદિત્ય L1 સેટેલાઇટ નું લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું. આદિત્ય L 1 નું સફળ લોન્ચિંગ થતાં સૌએ ઉત્સાહભેર એકબીજાને અભિનંદન આપ્યા હતા. સફળ લોન્ચિંગ નિહાળી સૌ આનંદિત થઈ ગયા હતાં. વિજ્ઞાન કેન્દ્ર દ્વારા સમગ્ર દિવસ દરમિયાન આદિત્ય L1 મિશન નું પુનઃ પ્રસારણ ફિલ્મ ચલાવવામાં આવી હતી.
ઈસરો દ્વારા આદિત્ય L-1 સેટેલાઇટનું લોન્ચિંગ સૂર્યના અભ્યાસ માટે PSLV C57.1 રોકેટ દ્વારા સતીષ ધવન સ્પેસ સેન્ટર, શ્રીહરિકોટા ખાતેથી કરવામાં આવ્યું, જે ભારતનું સૂર્યના અભ્યાસ માટેનું પ્રથમ મિશન છે. આદિત્ય-L1 મિશનનો ઉદ્દેશ્ય અવકાશના હવામાન પર તેમની વાસ્તવિક-સમયની અસર જાણવા માટે સૂર્ય અને સૌર પ્રવૃત્તિઓનો અભ્યાસ કરવાનો છે.









