AHAVADANGGUJARAT

Dang: મકાન ભાડે આપતા મકાન માલિકો જોગ ડાંગ જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ગુજરાત સહિત સમગ્ર દેશમાં આતંકવાદ અને ત્રાસવાદના કૃત્યોનાં બનાવોને અનુલક્ષીને, ડાંગ જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને, અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ડાંગ જિલ્લા કક્ષાએ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા સાવચેતીનાં પગલા રૂપે ઘનિષ્ઠ ચેકીંગ તથા અનેક વિવિધ પ્રકારના પગલાઓ લેવાઈ રહ્યા છે.

સાંપ્રત સંજોગોમાં ત્રાસવાદીઓ/અસામાજીક તત્વો શહેરોમાં તેમજ ગીચ વિસ્તારોમાં મકાન ભાડે રાખીને રહેતા હોય છે, અને વિસ્તારનો સર્વે (રેકી) કરી સ્થાનિક પરિસ્થિતિથી માહિતગાર થઈ, ત્રાસવાદી પ્રવૃતિને અંજામ આપતા હોય છે. જેથી ભાડેથી મકાન આપતા મકાન માલિકો દ્વારા, ભાડે અપાતા મકાનો બાબતે રાજય અને દેશની સલામતી જાળવવાના કાર્યોમાં તેઓનો સહકાર મેળવવા માટે, મકાન માલીકો દ્વારા ભાડે અપાતા મકાનોની જાણ નજીકના પોલીસ સ્ટેશનમાં અચૂક કરાવે તે જરૂરી છે.

આપત્તિ સમયની આ અનિવાર્ય જરૂરિયાત જોતા મકાન માલિકો દ્વારા  કરેલી જાણ અંગે સ્થાનીક પોલીસ દ્વારા નિયત કોલમમાં ભાડુઆત અંગે અને મકાન માલિક અને મકાન અંગેની સંપુર્ણ અને સચોટ વિગતો નિભાવવામાં આવે, અને આ બાબતને કાનુની બળ મળી રહે તે માટે રજીસ્ટરો નિભાવવામાં આવે. જે બાબતે ડાંગના જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી બી.બી.ચૌઘરી દ્વારા એક જાહેરનામું બહાર પાડવામા આવ્યુ છે.

જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ મુજબ પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામાં અનુસાર, સમગ્ર ડાંગ જિલ્લાના મહેસૂલી વિસ્તારમાં કોઇ રહેણાંકના મકાન માલિક અગર તો આ માટે આવા મકાન માલિકે ખાસ સત્તા આપેલ વ્યક્તિ જયારે મકાન ભાડે આપે ત્યારે, સંબંધિત પોલીસ સ્ટેશને જાણ કર્યા સિવાય કોઇ વ્યક્તિને ભાડે આપી શકશે નહિં. ભાડે આપેલ મકાનની વિગત ભાડે રાખનાર અને એજન્ટ કે જેઓએ ભાડે રાખનારની ઓળખાણ આપેલ હોય તે નિયત પત્રક-અમાં જરૂરી માહિતી સાથે લેખિત જાણ સંબંધિત પોલીસ સ્ટેશનમાં કરશે. તથા જયારે કોઈ મકાન માલિક/એજન્ટ/બ્રોકર કોઈ મકાનની લે-વેચ કરશે કે કરાવશે કે ભાડેથી મકાન અપાવશે, તેની સંપૂર્ણ વિગતોનું રજિસ્ટર નિભાવશે. જેમાં થયેલ વ્યવહાર સાથે સંકળાયેલ પક્ષકારોની સંપૂર્ણ ઓળખ સહિતનો બાયોડેટા ફોટા સહિત રાખી નિયત પત્રક-અ મુજબ જે તે વિસ્તારના પોલીસ સ્ટેશન ખાતે આપવાની રહેશે.

આ જાહેરનામું સમગ્ર ડાંગ જિલ્લાના  મહેસુલી વિસ્તાર (સાપુતારા સહિત) લાગુ પડશે. તેમજ આ જાહેરનામાનો ભંગ/ઉલ્લઘન કરનાર ભારતીય દંડ સંહિતા  મુજબ શિક્ષાને પાત્ર થશે.

<span;>આ જાહેરનામાનો ભંગ/ઉલ્લઘન કરવા બદલ ફરિયાદ માંડવા ફરજ પરના પોલીસ હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપલી કક્ષાના પોલીસ અઘિકારીશ્રીઓને અઘિકૃત કરવામાં આવેલ છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button