
આસીફ શેખ લુણાવાડા

મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોર અને મંત્રી બચુભાઈ ખાબડની ઉપસ્થિતિમાં માનગઢ ખાતે માગશરી પૂનમના દિવસે આદિવાસી વીર શહીદ શ્રદ્ધાંજલિ સમારોહની ઉજવણી કરવામાં આવી
આદિવાસી સમાજમાં રહેલ સુષુપ્ત શક્તિને જગાડવાનું કામ ગુરુ ગોવિંદે કર્યું છે- શિક્ષણ મંત્રી
૧૭ નવેમ્બર ૧૯૧૩ માનગઢ ક્રાંતિના મહાનાયક, આદિવાસી સ્વાધીનતા સંગ્રામના પ્રણેતા શ્રી ગોવિંદ ગુરુને શત શત વંદન કરી આદિવાસી સ્વાધીનતા સંગ્રામના ૧૫૦૭ આદિવાસી વીર શહીદ શ્રદ્ધાંજલિ સમારોહ માગશરી પૂનમના દિવસે મહીસાગર જિલ્લાના માનગઢ ખાતે આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોર અને જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્ય કક્ષાના પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડની પ્રેરક ઉપસ્થતિમાં યોજાયો.
આ પ્રસંગે આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોર એ જણાવ્યું હતું કે, ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશના ત્રિ-ભેટે મહીસાગરના આરે પ્રકૃતિ-પહાડોના ખોળે અરવલ્લીની ગીરીકંદરામાં વસેલુ માનગઢધામ અનુપમ ઐતિહાસિક ગૌરવવંતું પવિત્ર સ્થળ ભારતની ભૂમિમાં આઝાદીની હાકલ પૂર્વે આદિવાસીઓના પૂર્વજોએ હજ્જારોની સંખ્યામાં બ્રિટીશરો ભૂરેટીયાઓના દમન-શોષણને વશ નહી થતા નિર્મમ હત્યા કરી જલીયાવાલા બાગ હત્યાકાંડ કરતાયે ભયંકર બર્બરતા વ્હોરી તા.૧૭-૧૧-૧૯૧૩ના રોજ શહાદત થયેલા ૧૫૦૭ આદિવાસીઓ આજે પણ આપણા માટે દેશભકિતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તેમના બલિદાનને ઈતિહાસને ઉજાગર કરવા માટે તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રયાસ કર્યા હતા અને તે પ્રયાસ આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર આગળ વધારી રહી છે અને રાજ્ય સરકાર ગુરુ ગોવિંદનો ઇતિહાસ ઉજાગર કરવા માટે સતત પ્રયત્નશીલ છે.આદિવાસી સમાજમાં રહેલ સુષુપ્ત શક્તિને જગાડવાનું કામ ગુરુ ગોવિંદે કર્યું છે.
રાજ્ય કક્ષાના પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડે દેશની આઝાદી માટે માનગઢની ધરતી પર શહીદ થયેલ ૧૫૦૭ આદિવાસી વીર શહીદને નમન કરી જણાવ્યું હતું કે, દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 15 મી નવેમ્બરને 2023ના રોજ ઝારખંડ રાજ્યમાંથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવી ગુલામીની માનસિકતાને ત્યજી વર્ષ-2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પ લેવડાવ્યા હતા. આ સાથે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતેથી ભાઈબીજના પવિત્ર દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અંબાજી નજીક ચીખલા ખાતેથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ગરિમામય ઉપસ્થિતિમાં ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ અંતર્ગત જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી અને વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો. આ યાત્રા થકી સરકાર ઘર આંગણે આવી છેવાડાના માનવીને લોક કલ્યાણકારી યોજનાઓનો લાભ આપી રહ્યા છે.









