GUJARATMEHSANAVIJAPUR

૬૭.૬૯ કરોડની નર્મદા મુખ્ય નહેર આધારિત માતપુર-બ્રાહ્મણવાડા ઉદવહન સિંચાઈ યોજનાનું લોકાર્પણ

૬૭.૬૯ કરોડની નર્મદા મુખ્ય નહેર આધારિત માતપુર-બ્રાહ્મણવાડા ઉદવહન સિંચાઈ યોજનાનું લોકાર્પણ
આ યોજનાથી મહેસાણા અને પાટણ જિલ્લાના ૧૮ ગામોની ૩,૭૦૫ એકર જમીનને આ ઉદવહન સિંચાઈ યોજનાનો સીધો સિંચાઈનો લાભ મળશે- ૧૪.૭૦ કિલોમીટરની પાઇપલાઇનથી ૫૭ મિટર સુધી પાણી ઉદવહન કરશે
રૂપિયા ૮.૧૫ કરોડના ખર્ચે ઊંઝા ખાતે નવ નિર્મિત ઊંઝા નગરપાલિકાના સરદાર વલ્લભભાઇ પટેલ ટાઉનહોલનું લોકાર્પણ
મુખ્યમંત્રી:-વિકસિત ગુજરાતના નિર્માણ થકી વિકસિત ભારતના નિર્માણ માટે સૌ પ્રતિબધ્ધ બનીએ સરકાર હમેશાં ખેડૂતોની સાથે રહી છે અને રહેવાની છે
• ભાવિ પડકારોના સામના માટે વર્તમાન સમયની સજ્જતા સાથે રાજ્ય સરકાર હમેશાં સજાગ છે

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાની પ્રેરક ઉપસ્થિતિ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માતપુર-બ્રાહ્મણવાડા ઉદવહન સિંચાઇ યોજનાનું લોકાર્પણ કરતા જણાવ્યું હતું કે વિકાસની રાજનીતિ દ્વારા આયોજનબધ્ધ આગળ વધવાનું ઉત્તમ ઉદાહરણ ગુજરાતે પુરૂ પાડ્યું છે,
મુખ્યમંત્રીએ આનો શ્રેય તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીને આપતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીના માર્ગદર્શન હેઠળ દેશનો શ્રેષ્ઠ વિકાસ થઇ રહ્યો છે, અને ભારતનું ગૌરવ વિશ્વમાં વધી રહ્યું છે. તેમણે ચંદ્રયાન-03ના ચંદ્રની ધરતી પર સફળ લેન્ડીંગને ભારતની યશોગાથાના મહત્વપૂર્ણ અધ્યાય તરીકે ગણાવ્યું હતું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે વિકસિત ગુજરાતના નિર્માણ થકી વિકસિત ભારતના નિર્માણ માટે સૌને પ્રતિબધ્ધ બનવા આહવાન કરી જણાવ્યું હતું કે સરકાર હંમેશાં ખેડૂતોની સાથે રહી છે અને તેમની સાથે રહેવાની છે.
વરસાદ ખેંચાવાની સ્થિતિમાં ખેતી અને ખેડૂતને સહન કરવું પડે નહિ તે માટે રાજ્ય સરકારે કૃષિ માટે દશ કલાક વીજળી આપવા અને જરૂર પડે સિંચાઇ માટે નહેરોમાં પાણી છોડવા નિર્ણય લીધો છે તેમ તેમણે ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે,ભાવિ પડકારોના સામના માટે વર્તમાન સમયની સજ્જતા માટે રાજ્ય સરકાર હમેશાં સજાગ છે, તેમણે ઉમેર્યું હતું કે ભવિષ્યની જરૂરીયાતનો વિચાર કરીને રાજ્ય સરકાર વિકાસ કામોની કાર્યયોજના તૈયાર કરે છે,તેમણે પ્રત્યેક જિલ્લામાં ૭૫ અમૃત સરોવરના નિર્માણને જળસંચય માટેનું મહત્વપૂર્ણ કાર્ય ગણાવ્યું હતું
મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે વિકાસ કાર્યોની સાથે સાથે પર્યાવરણની સુરક્ષાને પણ મહત્વ આપવું પડશે ગ્લોબલ વાર્મિંગ જેવી સમસ્યાના સામના માટે પ્રદુષણને અટકાવવા ઉપરાંત જળસંચય અને વૃક્ષારોપણના મહત્વને પણ સમજવું પડશે. તેમણે સિંગલ યુઝ પ્લાસ્ટીકના ઉપયોગને નિયંત્રિત કરવા અનુંરોધ કર્યો હતો અને પ્રધાનમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ દેશભરમાં ચાલી રહેલા મિશન લાઇફ અભિયાનને મહત્વપુર્ણ ગણાવ્યું હતું.
રાજ્ય સરકાર છેવાડાના જરૂરીયાતમંદ લોકો સુધી વિકાસ યોજના પહોંચાડવા સતત પ્રયાસરત છે તેમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ રાજ્યની વિકાસયાત્રામાં જનશક્તિની સહભાગીતાને મહત્વપૂર્ણ ગણાવી સૌનો સાથ,સૌનો વિકાસ,સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસને કર્મમંત્ર બનાવી વિકસિત ભારતના નિર્માણ માટે દેશના અમૃતકાળના અનુપમ અવસરે સૌને સંકલ્પબધ્ધ થવા અનુરોધ પણ કર્યો હતો.
ઊંઝા ખાતે રૂપિયા ૮ કરોડના ખર્ચે નિર્માણ પામેલા સરદાર વલ્લભભાઇ પટેલ ટાઊનહોલનું ઇ-લોકાર્પણ મુખ્યમંત્રીશ્રીએ કર્યું હતું
આ અવસરે વિવિધ સામાજિક સંગઠનો દ્વારા મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે, ૬૯ કરોડ રૂપિયાની મહત્વાકાંક્ષી યોજનાથી મા નર્મદાનું અવતરણ અહીંની ધરતી પર થયું છે. ઉત્તર ગુજરાતની ધરતીને નવપલ્લવિત કરી ખેડૂતોની સમૃધ્ધિ થાય તે દિશામાં સરકાર પ્રધાનમંત્રીશ્રીના દિશાદર્શનમાં અને મુખ્યમંત્રીશ્રીની આગેવાનીમાં કામ કરી રહી છે.
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ઉમેર્યું હતુ કે, પ્રધાનમંત્રીએ ઉત્તર ગુજરાતને ઉત્તમ ગુજરાત બનાવવા માટે અનેક વિકાસ કાર્યો કર્યા છે.. સુજલામ સુફલામ યોજના સહિત નદીમાં બેરેજ બનાવી જમીનના તળ ઊંચા આવે તે દિશામાં સરકાર કામ કરી રહી છે.
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ ઉમેર્યું હતું કે ખેડૂતોના ખેતર સુધી પાણી લાવવાનું ભગીરથ કાર્ય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં સમગ્ર ટીમ ગુજરાત દ્વારા થઇ રહ્યું છે.રાજ્ય વિકાસની નવી ઊંચાઇ તરફ આગળ વધી રહ્યુ છે ત્યારે ખેડૂતો અને ગામડું સમૃધ્ધ થાય તે માટે અનેકવિધ યોજનાઓ અમલમા મુકી છે.
મંત્રીએ ઉમેર્યું હતું કે ચંદ્રયાયનની સફળતાએ રાષ્ટ્રનું ગૌરવ વધાર્યુ છે. પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં દેશ તેજ ગતિએ આગળ વઘી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ અંકિત કરેલ રાહ પર ગુજરાત સતત ગતિ કરી રહ્યું છે.
ઉત્તર ગુજરાતને ઉત્તમ બનાવવાના સંકલ્પ સાથે સરકાર કામ કરી રહી છે તેમ જણાવતાં જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયએ જણાવ્યું હતું કે, છેવાડાના ખેડૂતોના ખેતર સુધી પાણી પહોચે તેમજ દરેકને કામ કરે તે માટે હર ખેત કો પાની, હર હાથ કો કામ આ સૂત્રને સાકાર કરવા સરકાર કટિબઘ્ધ છે.
પાણી પુરવઠામંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જળવ્યવસ્થાપનની વિવિધ યોજનાઓ હેઠળ જળસંચયથી ભૂગર્ભ રિચાર્જથી સુકી જમીને હરિયાળી બનાવવાનું કામ સરકાર દ્વારા કરાઇ રહ્યું છે
મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે રૂ. ૬૭.૬૯ કરોડના ખર્ચે નિર્મિત નહેર આધારિત બ્રાહ્મણવાડા ઉદવહન સિંચાઈ યોજનાથી ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકા વિસનગર તાલુકા અને પાટણ તાલુકાના ખેડૂતોને સિંચાઈ સહિતની સગવડો પૂરી પડશે.
તેમણે ખેડૂતોને અટલ ભૂજલ યોજના અંતર્ગત ગુજરાત પ્રોત્સાહક યોજના અંગે માહિતી આપીને તેનો લાભ લઈ સૂક્ષ્મ સિંચાઈથી ખેતી સમૃદ્ધ કરવા માટે આહવાન કર્યું હતું.
મંત્રીશ્રીએ ઉત્તર ગુજરાતમાં ખેત તલાવડી બનાવવા માટે સરકારના સકારાત્મક અભિગમ અંગે પણ જાણકારી આપી હતી.
પાણી પુરવઠા મંત્રીએ કહ્યું કે, નર્મદા નહેરથી ગામ તળાવો ભરવાની ત્રણ કિલોમીટરની મર્યાદા દૂર કરવાની સૂચના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોના વ્યાપક હિતમાં આપી છે ઊંઝાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, માતપુરા યોજનાથી ઉત્તર ગુજરાતમાં નર્મદાના નીર લાવવાનું ભગીરથ કાર્ય સરકારે કર્યું છે, જેનાથી પાટણ,ઊંઝા અને વિસનગર તાલુકાના ગામોને લાભ થશે આ તકે તેમણે માતપુર તળાવ પંપીંગ સ્ટેશનને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવ અંગે પણ જણાવ્યું હતું.જળ સંપત્તિના ચેરમેન અને ખાસ સચિવ કે.બી.રાબડીયાએ આ યોજનાની માહિતી આપતાં જણાવ્યું હતું કે,ગુજરાત સરકાર દ્વારા નર્મદા નદીના પૂરના વધારાના વહી જતા પાણીમાંથી ૧ મિલિયન એકર ફીટ પાણી ઉત્તર ગુજરાતના મુખ્ય મોટા જળાશયો-નદીઓ અને નહેરોમાં નાંખી સિંચાઇ,જળ સંચય અને ભૂગર્ભ જળ રીચાર્જીંગ કરવા માટે સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત નર્મદા મુખ્ય નહેર આધારિત સુજલામ સુફલામ યોજનાની અલગ અલગ કૂલ ૬ ઉદવહન સિંચાઈપાઈપલાઈન યોજનાઓ દ્વારા ઉત્તર ગુજરાતના પાણીથી વંચિત વિસ્તારોમાં જળસંચય અને ભૂગર્ભ જળ રિચાર્જને લગતી મુખ્ય કામગીરી ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમ દ્વારા કરાઇ રહી છે.
આ યોજના અંતર્ગત બીજા તબક્કામાં આ હયાત પાઈપલાઈનને માતપુરથી આગળ લંબાવીને માતપુર તળાવ પાસે પંપીંગ સ્ટેશન બનાવીને ઉંઝા તાલુકાનાં બ્રાહ્મણવાડા ગામ સુધી કુલ ૧૪.૭૦ કિ.મી લંબાઈની ૧૨૧૬ મીમી વ્યાસની એમ.એસ પાઈપલાઈન દ્વારા ધરોઈ એક્ષ્ટેન્ડેડ બ્રાંચ કેનાલ નંબર ૪ અને ૫ માં ૫૦ ક્યુસેક્સ પાણી નાખી ઊંઝા ,પાટણ અને વિસગનર તાલુકાનાં ધરોઈ કમાન્ડ વિસ્તારના ૩,૭૦૫ એકર જમીનમાં પૂરક સિંચાઈ માટેની કામગીરી પૂર્ણ કરાઇ છે.
રૂપિયા ૬૭.૬૯ કરોડના ખર્ચે નિર્મતિ આ યોજના ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે સિંચાઇની મહત્વની યોજના બની રહી છે. આ યોજનામાં કુલ ૧૧.૭૦ કિ.મીની ડીસ્ટ્રીબ્યુશન પાઈપલાઈન નેટવર્ક દ્વારા નવ જેટલા ગામોના તળાવોમાં પાણી ભરીને પુરક સિંચાઈ ની સુવિધા ઉભી થશે અને ભુગર્ભ જળ રીચાર્જ થશે. માતપુર ખાતેના પંપીગ સ્ટેશન દ્વારા ૫૦ કયુસેકસ પાણી ૧,૨૧૬ મીમી વ્યાસ ની ૧૪.૭૦ કી.મી. ની એમ.એસ.પાઈપલાઈન મારફતે ૫૭ મીટર ઉંચાઈ સુધી ઉદ્દવહન કરવામાં આવશે.આ પ્રસંગે સાસંદ શારદાબેન પટેલ, સાંસદ ભરતસિંહ ડાભી,પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રહલાદભાઇ પરમાર,ધારાસભ્ય સર્વે કીરીટભાઇ પટેલ,મુકેશભાઇ પટેલ,સુખાજી ઠાકોર,કરશનભાઇ સોલંકી,સરદારભાઇ ચૌધરી, પુર્વ ગૃહમંત્રી રજનીભાઇ પટેલ,અગ્રણી ગીરીશભાઇ રાજગોર,જિલ્લા ગુજરાત જળસંપત્તિ વિકાસ નિગમના ચેરમેન કે.બી.રાબડીયા, જિલ્લા કલેકટર એમ નાગરાજન,જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશ,જિલ્લા પોલીસ અધિક્ષક અચલ ત્યાગી,નિવાસી અધિક કલેકટર ઇન્દ્રજીતસિંહ વાળા,નગરપાલિકા પ્રમુખ રીન્કુબેન પટેલ,કારોબારી ચેરમેન હરીભાઇ પટેલ સહિત ઊઁઝા શહેર,તાલુકા,મહેસાણા અને પાટણ જિલ્લાના પ્રબુધ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button