
31-ડિસેમ્બર.
વાત્સલ્યમ્ સમાચર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.
અદાણી ફાઉ. દ્વારા સ્વસ્થ સમાજ નિર્માણાર્થે ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન.
મેડિકલ કેમ્પ, વૃક્ષારોપણ અને સાંસ્કૃતિક કાર્યક્રમોથી વાતાવરણ પ્રફુલ્લિત.
મુંદ્રા સ્થિત અદાણી ફાઉન્ડેશન ‘સર્વજન હિતાય’ના ઉદ્દેશથી સતત સેવાકીય કાર્યોમાં પ્રવૃત્ત રહે છે. તાજેતરમાં અબડાસા તાલુકામાં સર્વરોગ નિદાન કેમ્પ, વૃક્ષારોપણ સહિત ક્રિસમસની ઉજવણીના ત્રિવિધ કર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંઘીપુરમ્ ખાતે પબ્લીક સ્કૂલના બાળકોએ ક્રિસમસની શાનદાર ઉજવણીમાં જોડાઈ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. આ પ્રસંગે આસપાસના અગ્રણીઓએ બહોળી સંખ્યામાં હાજર રહી ફાઉન્ડેશનની કામગીરી બિરદાવી બાળકોને પણ પ્રોત્સાહિત કર્યા હતા. મોટી બેર ખાતે આયોજીત નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનો આસપાસના લોકોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. આંતરિયાળ ગામોમાં રહેતા લોકો ઘરઆંગણે મેડિકલ સુવિધાઓના અભાવે છાસવારે પીડા સહન કરતા હોય છે. અદાણી ફાઉન્ડેશનની ટીમ તેમનું આ દર્દ સમજીને અવારનવાર મેડિકલ કેમ્પ્સનું આયોજન કરતી રહે છે. આયોજીત મેડિકલ કેમ્પમાં કુલ 115 થી વધુ દર્દીઓએ સીધો લાભ લીધો હતો. જેમાં સગર્ભા મહિલાઓને ત્રણ મહિના માટે પ્રોટીન પાવડર તેમજ ગર્ભાવસ્થા દરમિયાન રાખવામાં આવતી કાળજી અંગે માર્ગદર્શન આપતું કેલેન્ડર આપવામાં આવ્યું હતું. અદાણી ફાઉન્ડેશનના ગુજરાત સી.એસ.આર.હેડ પંક્તિબેન શાહે જણાવ્યું હતું કે “જે ગામોમાં દવા અને તબીબી સહાયની જરૂર છે ત્યાં પહોચીને કામ કરવામાં આવે તો તેના સારા પરિણામો ચોક્કસ મળે છે. આ વિસ્તારમાં આરોગ્યની સારસંભાળ લેતા અમારા પર આપ સૌના આશીર્વાદ બની રહે તે ખૂબ જ જરૂરી છે. અમે આપ સૌની જરૂરિયાતો સમજીને સૌની સાથે એક બનીને કામ કરીશું.“ સાંઘીપુરમ કેમ્પસ ખાતે અદાણી સિમેન્ટના પ્લાન્ટ હેડ મિશ્રાજી અને કર્મચારીના હસ્તે 51 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યુ હતું. તેમણે જણાવ્યું હતું કે “લોકોના આરોગ્યની તપાસ જો સમયસર થાય તો તેઓ મોટી બીમારીમાંથી આપમેળે બચી શકે છે. આ મેડિકલ કેમ્પસની જાણકારી વધુને વધુ લોકો સુધી પહોંચે તો જરૂરિયાતમંદ લોકો તેનો લાભ લઈ શકે છે. અદાણી ફાઉન્ડેશન સાથે અમને આ સેવાકીય પ્રવૃત્તિ કરવાની તક મળી છે. અમે તમામ લોકોને સારા કામો માટે સહકાર આપવા અપીલ કરીએ છીએ. સાંઘીપુરમ ખાતે ક્રિસમસની પૂર્વસંધ્યાએ પબ્લિક સ્કૂલના બાળકો સાથે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકોનું નૃત્ય, પારંપરિક રાસ, અભિનય અને મહિલાઓનો કચ્છી રાસ વગેરે આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા. આ પ્રસંગે અદાણી સિમેન્ટ દ્વારા કાર્યક્રમમાં સહભાગી બાળકો અને પરિવારની બહેનોને પ્રોત્સાહક ભેટ આપવામાં આવી હતી. અદાણી ફાઉન્ડેશનની ટીમ દ્વારા આ ત્રિવિધ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યુ હતું.