JETPURRAJKOT

રાજકોટમાં “લિંગ સમાનતાની શક્તિને મુક્ત કરવી”ના સૂત્ર સાથે કરવામાં આવશે “વિશ્વ વસ્તી દિવસ”ની ઉજવણી

તા.૧૦/૭/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

સમગ્ર વિશ્વમાં ૧૧મી જુલાઇના દિવસે ‘‘વિશ્વ વસ્‍તી દિન’’ની ઉજવણી કરવામાં આવે છે. ૧૧ જુલાઇ-૧૯૮૭ના દિવસે વિશ્વનું પાંચ અબજમું બાળક જન્‍મ્‍યું હોવાથી ‘‘યુનાઇટેડ નેશન્‍સ’’ દ્વારા પ્રતિવર્ષ આ દિવસે ‘‘વિશ્વ વસતિ દિન’’ની ઉજવણી કરવામાં આવે છે. વધતી જતી વસ્‍તીની સમસ્‍યા પ્રત્‍યે લોકોનું ધ્‍યાન કેન્‍દ્રિત કરવાના આશયથી ‘‘વિશ્વ વસ્‍તી દિન’’ ઉજવાય છે. વૈશ્વિક વસ્તી પ્રતિ મિનિટે વધી રહી છે. વસ્તી વધારા સાથે તેને સંલગ્ન મુદ્દાઓ ગરીબી, અર્થતંત્રથી માતૃ સ્વાસ્થ્ય સુધી વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા જાય છે. વિશ્વ વસ્તી દિન આ દરેક મુદ્દાઓને દર્શાવી તેના માટે આવશ્યક પ્રયત્નો અને ફેરફારોની જરૂરની યાદગીરી આપતું રિમાઇન્ડર છે. આ વર્ષે વિશ્વ વસ્તી દિવસ – લિંગ સમાનતાની શક્તિને મુક્ત કરવી, આપણા વિશ્વની અનંત શક્યતાઓને અનલૉક કરવા માટે મહિલાઓ અને છોકરીઓના અવાજને ઉત્તેજન આપવાની થીમ સાથે ઉજવવામાં આવશે.

આ વર્ષે લિંગ અસમાનતા, આર્થિક કટોકટી અને ગરીબી જેવા વિવિધ પડકારો વિશે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરી દિકરીઓને સમાન તકો અને વિશ્વમાં તેને દરેક ક્ષેત્રે આગળ વધવા માટે લોકોમાં જાગૃતિ લાવવા કાર્યક્રમો યોજાશે. આ દિવસ લોકોના જીવનની સુધારણા માટે સક્રિયપણે પ્રયત્ન કરવા અને સકારાત્મક પરિવર્તન લાવવા માટે એક રીમાઇન્ડર તરીકે કામ કરે છે. યુનાઈટેડ નેશન્સ વિશ્વ વસ્તી દિવસની ઉજવણી એક એવા ભવિષ્યના નિર્માણના વિઝન સાથે કરે છે જ્યાં દરેકને સમાન તકો અને અમર્યાદિત સંભાવના હોય.

હાલમાં વિશ્વની કૂલ વસ્‍તી ૮ અબજથી વધુ છે. જયારે ૨૦૧૦-૧૧ની વસતિ ગણતરીમુજબ ભારતની વસ્‍તી ૧૨૧ કરોડ હતી જે હાલ ચીનને પણ પાર કરી જતા ૧૪૨.૮૬ કરોડ અને ગુજરાતની વસ્‍તી ૭ કરોડ, જયારે રાજકોટ જિલ્‍લાની વસ્‍તી ૩૮ લાખ છે. વિશ્વમાં દર મિનિટે ૧૫૦નો અને ભારતમાં દર મિનિટે ૨૯નો વસ્‍તીવધારો થાય છે. આમ, કૂદકે ને ભૂસકે વધતી જતી દુનિયાની વસ્‍તી સામે લાલ બત્તી ધરવા માટે ‘‘વિશ્વ વસ્‍તી દિન’’ નિમિત્તે લોક જાગૃતિના કાર્યક્રમો યોજાય છે.

રાજકોટ જિલ્‍લા પંચાયતના આરોગ્‍ય વિભાગ દ્વારા ‘‘વિશ્વ વસ્‍તી દિન’’ની ઉજવણીના ભાગરૂપે સામાન્‍ય જનતામાં વસ્તી નિયંત્રણ અંગે જાગૃતિ કેળવવા માટે આ વર્ષે તબક્કાવાર ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આરોગ્ય વિભાગ દ્વારા પ્રથમ તબકકામાં દંપતિ સંપર્ક પખવાડીયા તરીકે ઉજવણી કરી કુટુંબ નિયોજન અંગેની ગ્રામ્‍ય, તાલુકા, શહેરી કક્ષાએ રેલી, રોડ શો, મોબીલાઈઝેશન, સોશ્યલ ગેધરીંગ, સ્થાનિક સરકારી આરોગ્ય સંસ્થા મારફતે ક્વીકી/માઈકિંગ દ્વારા પ્રચાર પ્રસાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર યુનિટમાં વોલ પેઇન્ટિંગ, લઘુ શિબિર/ગુરુ શિબિર યોજાયા હતા.

બીજા તબક્કામાં આવતીકાલથી ૨૪ જુલાઇ ૨૦ર૩ દરમિયાન “જન સંખ્‍યા સ્થિરતા પખવાડીયા”ની ઉજવણી કરવામાં આવશે. જેમાં કુટુંબ નિયોજન અંતર્ગત વિવિધ ટીમો દ્રારા કેલેન્‍ડર એકટીવિટી તૈયાર કરી તેનું જિલ્‍લા હોસ્પિટલ, સબ ડિસ્‍ટ્રીકટ હોસ્પિટલ, એફ.આર.યુ., સા.આ.કેન્‍દ્ર ખાતે અમલીકરણ કરવામાં આવશે. અને આઈ.ઈ.સી.મટીરીયલ્‍સનું વિતરણ અને પુરૂષ ભાગીદારી વધારવા પ્રયત્‍ન કરવામાં આવશે. દંપતિઓને રૂબરૂ મળી જરૂરી આરોગ્‍ય શિક્ષણ આપવામાં આવશે.

આશા બહેનોનું ઓરીએન્‍ટેશન, કાઉન્‍સેલીંગ, તાલુકા કક્ષાએ મોબાઇલ પ્રચાર વાન થકી પ્રચાર-પ્રસાર, વાર્ષિક ૧ ગુરુશિબિર અને ૧ લઘુશિબિર, શાળા-કોલેજોમાં રેલી, નિબંધ સ્‍પર્ધા, વકતૃત્‍વ સ્‍પર્ધા, નાટક જેવા કાર્યક્રમો અને સાહિત્યનું વિતરણ કરાશે. દરેક તાલુકાઓમાં શેરીનાટક, ડાયરા, ભવાઇ, પપેટ શો જેવા કાર્યક્રમો, સપ્‍તધારાના તાલીમાર્થીઓ દ્રારા અલગ અલગ ધારા વાઇઝ કાર્યક્રમો, જિલ્લા કક્ષાએથી વિડીયો કોન્‍ફરન્‍સના માધ્‍યમથી ચર્ચા/ માર્ગદર્શન આપવામાં આવશે.

[wptube id="1252022"]
Back to top button