
તા.૧૪/૨/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot: આગામી લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ની પૂર્વતૈયારીના અનુસંધાને કલેકટર કચેરી ખાતે એસેમ્બ્લી લેવલ માસ્ટર ટ્રેનર્સની તાલીમ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા યોજવામાં આવી હતી. તાલીમનો પ્રારંભ કરાવતાં અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એન. કે. મૂછારે તાલીમાર્થીઓને જણાવ્યું હતું કે, સારી રીતે ચુંટણી સંપન્ન થાય, તેનો આધાર સારી તાલીમ પર રહેલો છે. તેમણે ચુંટણી પંચ દ્વારા અપાયેલ મેન્યુઅલમાંની પ્રક્રિયાઓ અને પદ્ધતિઓનો અભ્યાસ કરીને તે મુજબ જ કાર્ય કરવા પર ભાર મૂક્યો હતો અને તાલીમાર્થીઓને તાલીમ માટે શુભેચ્છા પાઠવી હતી.

આ બે દિવસીય તાલીમમાં તા.૧૪ અને ૧૫ ફેબ્રુઆરી દરમ્યાન માસ્ટર ટ્રેનર્સ દ્વારા ચુંટણીના દિવસે તૈયાર કરવાની થતી વ્યવસ્થાઓ, પોલિંગ પાર્ટી, ઈ.વી.એમ.- વી.વી. પેટ અને મોક પોલ, પોસ્ટલ બેલેટ અને બુથ વ્યવસ્થાપન, વિવિધ ફોર્મ અને કવર, ડિસ્પેચ, વિવિધ કર્મચારીઓના કાર્યોની સ્પષ્ટતા વગેરે વિષયોને આવરી લઈને તાલીમાર્થીઓને સુપેરે માહિતગાર કરવામાં આવશે. આ તાલીમમાં સ્ટેટ લેવલ માસ્ટર ટ્રેનરશ્રી શ્રી જી.વી. મિયાણી તેમજ શ્રી રાહુલ ગમારા દ્વારા તાલીમ આપવામાં આવનાર છે.

આ તાલીમમાં રાજકોટ જિલ્લામાં સમાવિષ્ટ ૬૮,૬૯,૭૦,૭૧,૭૨,૭૩,૭૪,૭૫ વિધાનસભા મતદાર વિભાગના વિભાગ દીઠ ૨ એ.એલ.એમ. ટી.ને તાલીમ માટે સામેલ કરવામાં આવ્યા છે. આ તાલીમથી સુસજ્જ થયેલ એસેમ્બ્લી લેવલ માસ્ટર ટ્રેનર્સ (ALMTs) જિલ્લા કક્ષાએ ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલ વિવિધ અધિકારી/કર્મચારીઓ જેવા કે સેક્ટર ઓફિસર, પ્રિસાઈડિંગ ઓફિસર, પોલિંગ પાર્ટી, માઇક્રો ઓબઝર્વર, ખર્ચ નિરીક્ષક ટીમ વગેરેને આગળના તબક્કે તાલીમ આપશે.








