Adani : અદાણી ટોટલ ગેસ (ATGL) અમદાવાદમાં બાયો-CNG પ્લાન્ટ બનાવશે

પિરાણા ખાતેનો પ્લાન્ટ PPP મોડલ આધારિત
દેશમાં ઘર-ઘર સુધી સ્વચ્છ ઈંધણ પહોંચાડવા અદાણી ટોટલ ગેસે એક મોટી પહેલ કરી છે. અમદાવાદ સ્થિત અદાણી ટોટલ ગેસ હવે બાયો-સીએનજીનું ઉત્પાદન કરશે. અદાણીના જૂથ અને ફ્રેન્ચ ઊર્જા ક્ષેત્રની કંપની ટોટલ એનર્જીઝ વચ્ચેના સંયુક્ત સાહસ ધરાવતી કંપની ATGL અમદાવાદમાં બાયો-સીએનજી ઉત્પાદન કરતો અદ્યતન પ્લાન્ટ બનાવશે.
અમદાવાદના પીરાણા/ગ્યાસપુર ખાતે ATGL દ્વારા નવીન પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC) તરફથી મળેલા વર્કઓર્ડર પ્રમાણે તેને પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડલ મુજબ બનાવવામાં આવશે. જેમાં ATGL એ ડિઝાઈન, નિર્માણ, ફાઈનાન્સ અને સંચાલન કરવાનું રહેશે.
ATGL દેશના 124 જિલ્લાઓને આવરી લેતા 52 લાયસન્સમાં ઓટોમોબાઈલ સીએનજી અને ઘરેલું રસોઈ માટે પાઇપ્ડ ગેસનું વેચાણ કરે છે. કંપની દેશમાં 460 સીએનજી સ્ટેશન તેમજ રસોઈ ગેસના લગભગ 7 લાખ ગ્રાહકો ધરાવે છે
અદાણી ટોટલ ગેસે તાજેતરના વાર્ષિક અહેવાલમાં ઓટોમોબાઈલ સીએનજી તેમજ ડોમેસ્ટિક ઈન્ડસ્ટ્રીઝમાં પાઈપ્ડ ગેસના છૂટક વેચાણ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર રૂ. 18,000 કરોડથી રૂ. 20,000 કરોડના રોકાણની જાહેરાત કરી છે.
અદાણી ટોટલ આગામી આઠ-દસ વર્ષમાં ગેસ વિતરણ માટે મોટું રોકાણ કરવા જઈ રહી છે. દેશમાં વધતી જતી સ્વચ્છ ઇંધણની માંગને પહોંચી વળવા ATGL સીએનજી સ્ટેશનોનું નેટવર્ક, રસોઈ ગેસ અને ઉદ્યોગોમાં ગેસનું વહન કરતી પાઇપલાઇનનું નેટવર્ક વિસ્તરણ કરશે.










