AHAVADANGGUJARAT

સાપુતારા ખાતે વન સમિતિઓ, ઇકો ડેવલોપન્ટ કમિટિઓ,સ્વસહાય જુથોના આગેવાનો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
રાજ્યના છેવાડે આવેલો ડાંગ જિલ્લો પ્રાકૃતિક સંપદાઓથી ભરેલો છે. પ્રકૃતિ પ્રેમી સ્થાનિક આદિવાસીઓ દ્વારા કરવામા આવી રહેલ ડાંગના જંગલની જાળવણી અંગેની કામગીરી ખુબ જ સરાહનીય છે. તેમ વન અને પર્યાવરણ, કલાઇમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રીશ્રી મુકેશભાઇ પટેલે જણાવ્યુ હતુ.

પોતાના અધ્યક્ષિય વક્તવ્યમાં બોલતા મંત્રી શ્રી મુકેશભાઇ પટેલે દેશના પ્રાકૃતિક જિલ્લા તરીકે જાહેર થયેલા ડાંગ જિલ્લાના ખેડુતો રાસાયણિક ખેતી છોડીને ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા છે. પ્રાકૃતિક પેદાશો ઉગાડી ડાંગ જિલ્લાએ દેશ માટે નવી રાહ ચિંધી છે તેમ જણાવ્યુ હતું.
ડાંગ જિલ્લાના ભગતોની રજુઆત પર વન વિભાગ દ્વારા લુપ્ત થતી ઔષધિઓ ફરીથી ઉગાડવા માટેના પ્રયાસ કરવામા આવી રહ્યા છે.

ડાંગ જિલ્લામા પાણીનો પ્રશ્ન દુર કરવા માટે સરફેસ સોર્સ આધારિત પીવાનું પાણી પૂરું પાડવા માટેની રૂ.૮૬૬ કરોડની યોજના મંજૂર કરવામા આવી છે. તેમજ રૂપિયા 91 કરોડના ખર્ચે 21 ચેકડેમો મંજુર કરવામા આવ્યા છે. આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને નવા ચેકડેમોનુ નિર્માણ કરવામા આવશે. જેથી તેમા પાણી સંગ્રહિત થઇ શકશે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યુ હતુ. આ સાથે જ ડાંગના કિંમતી વનો અને પર્યાવરણ તથા કુદરતી સ્ત્રોતોનું જતન-સંવર્ધન કરવાની હાંકલ પણ તેમણે આ વેળા કરી હતી.

વન વિભાગની યોજનાકીય માહિતી આપવાની સાથે વન વિભાગ દ્વારા સ્થાનિક લોકો માટે કરવામા આવેલ કાર્યો અને વિવિધ પ્રવૃતિઓ અંગે ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઇને જણાવ્યુ હતુ.
ડાંગ જિલ્લાના લોકો વર્ષોથી જંગલ જાળવણી કરતા આવ્યા છે. સાથે જ અહિના આદિવાસીઓ વન વિભાગ સાથે ખભે ખભો મિલાવીને કામ કરે છે. જે ખુબ જ સરાહનીય બાબત છે તેમ અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી એસ.કે.ચતુર્વેદીએ જણાવ્યુ હતુ. ડાંગના જંગલોમા હરણ જેવા પ્રાણીઓની સંખ્યામા વધારો થયો છે. તો લુપ્ત થયેલ વાધને ફરીથી સંવર્ધન કરી પ્રવાસન વિભાગને વેગ આપવા અંગે તેમણે જણાવ્યુ હતુ.આવનાર પેઢી માટે જંગલોની જાળવણી ખુબ જ જરૂરી છે તેમ જણાવી જંગલોનુ મહત્વ તેમજ વન જાળવણી સાથે સ્થાનિકોમા રોજગારીની તકો પુરી પાડવા અંગે વન વિભાગની કામગીરીનો હાર્દ સ્પષ્ટ કર્યો હતો.

મુખ્ય વન સંરક્ષક શ્રી વલસાડ વન વર્તુળ શ્રી મનેશ્વર રાજાએ પર્યાવરણના જતન, સંવર્ધન માટે સતત પ્રયત્નશીલ ડાંગ વન વિભાગ દ્વારા, વન કવચ શરૂ કરવામા આવ્યા છે. તેમજ સ્થાનિક લોકના વિકાસ માટે જે.એફ.એમ.સી, ઇ.ડી.સી. બનાવી વન વિભાગ સ્થાનિકોને રોજગારી પુરી પાડવાના કામો કરે છે તેમ જણાવ્યુ હતુ. આ સાથે માનવીના જીવનમા વૃક્ષોનુ મહત્વ સમજાવી જિલ્લામા વધુ વૃક્ષો વાવી ખૂબસુરત બનાવવાની હિમાયત કરી હતી.
પ્રાસંગિક વક્તવ્ય રજૂ કરતાં નાયબ વન સંરક્ષક શ્રી રવિ પ્રસાદે વન વિભાગની જુદી જુદી યોજનાઓ વિશેની માહિતી આપી, વન વિભાગની કામગીરીનો ચીતાર આપ્યો હતો. ફોરેસ્ટ વિભાગ ફક્ત જંગલ જાળવણી જ નહિ પરંતુ સ્થાનિક લોકોની રોજીરોટી અને તેઓના વિકાસ માટે કાર્ય કરે છે. એમ પણ તેમણે કહ્યું હતું.
ડાંગ જિલ્લા વન વિભાગ હસ્તકની માલકી યોજના, વનલક્ષ્મિ યોજના, વનબંધુ કલ્યાણ યોજના, વનધન વિકાસ યોજના અંગે જિલ્લાના વિવિધ રેંજ વિભાગની મંડળીઓ તેમજ લાભાર્થીઓને ચેક વિતરણ કરવામા આવ્યા હતા. આ સાથે જ ગ્રામ પંચાયતના વિકાસ માટે વાંસ કાપ અંગેના અધિકાર પત્રો પણ આહવા, ચીચીનાગાવઠા, ચિકાર, ભોગડીયા, ઘોડી તેમજ જામનપાડા ગ્રામ પંચાયતને આપવામા આવ્યા હતા.
આ સાથે સાપુતારા સાંદિપની શાળાના તેજસ્વી તારલાઓ તેમજ રમતવીરોને પ્રમાણપત્ર એનાયત કરવામા આવ્યા હતા.
કાર્યક્રમના અંતે મદદનીશ વન શ્રીમતી આરતી ડામોરે આભાર વિધિ આટોપી હતી.
આ પ્રસંગે ડાંગ જિલ્લા ભાજપ પાર્ટી પ્રમુખશ્રી કિશોરભાઇ ગાવિત, સામાજીક આગેવાન શ્રી સુભાષભાઇ ગાઇન, ડાંગ જિલ્લાની વિવિધ રેંજ મંડળીઓના પ્રમુખ, મંત્રીશ્રીઓ, આગેવાનો તેમજ મોટી સંખ્યામા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button