
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના વાંઝણા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ રાજયના નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે નવસારી જિલ્લા વહીવટીતંત્ર સહિત પદાધિકારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કલ્યાણકારી યોજનાઓ સાથે આવેલ રથને વધાવતા વાંઝણા ગામે જનમેદની ઉમટી પડી હતી. વિકાસની પ્રતિબધ્ધતા વ્યક્ત કરતા નાણા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે સરકાર છેવાડાના માનવી સુધી સરકારની યોજનાનો લાભ પહોંચાડીને લોકોના જીવનશૈલીમાં બદલાવ લાવવા માટે કટિબદ્ધ છે. આજે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રજાને સરકારી યોજનાનો લાભ અપાવવા માટે રાજ્યના ગામેગામ વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું સ્વાગત કરવામાં આવે છે. દરેક લાભાર્થીઓને સ્થળ ઉપર જ લાભ મળી જાય તે માટે જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા જુદા જુદા સ્ટોલ લગાવવામાં આવ્યા છે. ગામના લોકોને સ્ટોલની મુલાકાત લઈ યોજનાનો લાભ લેવા નાણા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ ખાસ અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે ગણદેવીના ધારાસભ્યશ્રી નરેશભાઇ પટેલે જણાવ્યું હતું કે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના મુખ્ય બે હેતુ છે. એક કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાની માહિતી લોકોને મળે છે. પોતપોતાના હકની જાણકારી પ્રાપ્ત થાય છે. નાગરિક જાગૃત બને છે. અને બીજો હેતુ એ છે કે જાણકારી મળવાથી લાભાર્થી સો ટકા યોજનાથી લાભાન્વિત થાય છે.
આ યાત્રા દરમિયાન માન.પ્રધાનમંત્રીશ્રીના વિકસિત ભારતના લાભાર્થીઓ સાથેનો દિલ્હીથી સીધા સંવાદ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ મહાનુભવો સહિત ઉપસ્થિત ગ્રામજનોએ નિહાળ્યું હતું. ત્યારબાદ જુદી જુદી યોજનાના લાભાર્થીઓને લાભો અર્પણ કરાયા હતા.
કાર્યક્રમમાં મહાનુભાવો દ્વારા ગામના વરિષ્ઠ નાગરિકોનું શાલ આપી સન્માન તથા અલગ અલગ યોજનાના લાભાર્થીઓને સ્ટેજ પરથી લાભાર્થીઓને લાભો વિતરણ કરવામાં આવ્યા હતાં. સાથે ઉપસ્થિત સૌ લોકોએ વિકસિત ભારત માટે શપથ લઈ સંકલ્પબદ્ધ થયા હતા.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરેશભાઈ દેસાઈ, વલસાડના સાંસદ ડો. કે.સી.પટેલ , જિલ્લા કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ લતા, વાંસદા પ્રયોજના અધિકારી શ્રી સુરેશ આનન્દુ, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ભૂરાભાઈ શાહ, જિલ્લા અને તાલુકાના પદાધિકારીઓ, તાલુકા વિકાસ અધિકારી શ્રી ચેતનભાઈ દેસાઈ સહિત સંબંધિત વિભાગના કર્મયોગીઓ, લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.









